ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારીના વાર્ષિકોત્સવમાં નારીશક્તિ બિરદાવાઈ

ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારીના વાર્ષિકોત્સવમાં નારીશક્તિ બિરદાવાઈ
ભુજ, તા. 17 : અહીંના ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારીના વાર્ષિકોત્સવ પ્રસંગે વિવિધ વર્ગોના તાલીમાર્થીઓ એ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું અધ્યક્ષસ્થાનેથી જિલ્લા શિક્ષણાધિકારી ભૂપતસિંહ વાઘેલાએ કાવ્ય દ્વારા નારી શક્તિને બિરદાવી હતી. ઉપપ્રમુખ ભાનુબેન વી. પટેલે અધ્યક્ષનું અને મુખ્ય મહેમાન સંધ્યાબેન ઠક્કરનું સન્માન મંત્રી કાશ્મીરા ભટ્ટે કર્યું હતું.સંગીત વર્ગ સંચાલક કિશોરભાઈ જોષી અને વિદ્યાર્થીઓ દ્વારા  સંગીતમય પ્રાર્થના રજુ કરાઈ હતી.  વિદ્યાર્થીની ભૈરવી સેંઘાણીએ યુવા મહોત્સવ અને યુનિ.માં પ્રથમ સ્થાન લઈ સંસ્થાનું ગૌરવ વધારેલું છે. ડ્રમ કલાસના અન્ડર સિકસ બાળકો યશ ઠક્કર, ગોર યજ્ઞ, શાહ આર્ય, મજેઠિયા ઋષિ ઉપરાંત નાની વયના સોલંકી ડોલીએ સરસ ડ્રમ વગાડી કલાથી પ્રભાવિત કર્યા હતા. મુખ્ય મહેમાન સંધ્યાબેને દરેક બાળકને રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કર્યા હતા. માર્ગદર્શન કેતનભાઈ ઠાકરે આપ્યું હતું. કી બોર્ડના સંચાલક કેતનભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ પૂજન ખારવા, હીતા ઠકકર, વિશ્વા ઠક્કરે કી બોર્ડ પર ધૂનો જયારે નિરવભાઈ કાલરિયાના વિદ્યાર્થી વૃત્તિબેન અને જિત ઠક્કરે ગિટાર પર જૂના ગીતોની તર્જ બનાવી હતી. ભારત નાટયમની વિદ્યાર્થીનીઓએ આંગીકમ શિવાય, શિવશ્લોક અને ગણેશ વંદના તેમજ પિરામીડ શંકર ભગવાનનું ત્રિશૂલ સાથેનું વિરાટ સ્વરૂપ અને રાજસ્થાની લોકનૃત્ય ઘૂમર રજૂ કર્યા હતા. સંસ્થાના સંચાલિકા વૈશાલબેન સોલંકીએ નૃત્યભૂષણ અને કુલાકુંજના એવોર્ડ મેળવી માન વધાર્યું છે. નેહલભાઈ વૈદ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના દીપાલીબેન, અંજનાબેન, રસીલાબેન, અલ્પાબેન, ઈલાબેન, દમયંતીબેન, ભગવતીબેને સહયોગ આપ્યો હતો. આભાર વિધિ રેખાબેન વોરાએ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer