કચ્છમાં આરસી બુકોની રવાનગી અટકી પડયાનો ઓટો સંગઠનનો આક્ષેપ

ભુજ, તા. 17 : એક તરફ આરટીઓ અને ટ્રાફિક પોલીસ તંત્ર વાહનધારકો પાસે લાયસન્સ અને આરસી બુકની તપાસ કરી રહ્યા છે ત્યારે કચ્છમાં આ મહિનાની શરૂઆતથી હજુ સુધી કોઈ વાહનધારકને આરસી બુક ન મળી હોવાનો આક્ષેપ ઓટો એડવાઈઝર સંગઠને કર્યો છે. કચ્છ જિલ્લા ઓટો એડવાઈઝર એસોસીએશનના પ્રમુખ ઉમર સમાએ જણાવ્યું હતું કે હજુ સુધી એ સ્પષ્ટ થતું નથી કે આરસી બુક રવાનગીની કાર્યવાહી ગાંધીનગરથી શરૂ કરવામાં આવી છે કે પછી સ્થાનિક સ્તરેથી જ પડતર પૂરી કરવામાં આવી રહી છે. તેમણે આરસી બુકની રવાનગી સ્થાનિક સ્તરેથી જ કરવાનું ફરી શરૂ કરવાની માગણી કરતાં કહ્યું હતું કે ગાંધીનગરથી આરસી બુકની રવાનગીથી આ ક્ષેત્રે અંધાધૂંધી વધુ વકરશે. ગામડાંમાં સરનામાં ન મળવાથી પરત ગયેલી આરસી બુક ફરી મેળવવી એ ગામડાંના વાહનધારકને માટે માથાનો દુ:ખાવો બની રહેશે. આરસી બુકની રવાનગીને પાસપોર્ટ પ્રક્રિયા સાથે સરખાવવા બાબતે તેમણે કહ્યું કે પાસપોર્ટમાં તો અરજદાર અરજી કરે તે સાથે જ તેનો પાસપોર્ટ બનીને હાથમાં પહોંચે ત્યાં સુધીની પ્રક્રિયાના દરેક સ્તરે અરજદારને ફોન પર મેસેજથી અવગત કરાવવામાં આવતો હોય છે જ્યારે આરસી બુકમાં અત્યારથી અંધેર પ્રવર્તી રહ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer