કચ્છના પાણી, ખેતી, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય સહિતના પ્રશ્નોની પ્રભારી સચિવ દ્વારા સમીક્ષા

ભુજ, તા. 17 : કચ્છના પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાએ આજે ભુજ ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં સિંચાઇ, પાણી, ખેતી, શિક્ષણ, આરોગ્ય સહિતના પ્રશ્નોની નિદર્શનથી જાણકારી મેળવી વિભાગવાર  સમીક્ષા કરી હતી. શ્રી ગુપ્તાએ ચૂંટણીના કારણે વહીવટીતંત્રનાં કાર્યોમાં આવેલા વચગાળાના વિલંબને સમયબદ્ધ રીતે આગળ વધારવા વિભાગના અધિકારીઓની મોડી સાંજ સુધી અલગ-અલગ બેઠકો યોજી માર્ગદર્શન, તો ક્યાંક ઢીલાશ બદલ કડક નિર્દેશો પણ આપ્યા હતા. તેમણે રાજ્ય સરકારના મુખ્ય ઉદ્દેશોને પાર પાડવા સોશિયલ સેક્ટરમાં કયા પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તેનો ચિતાર પણ મેળવ્યો હતો. નર્મદાના ઓછા પાણીના કારણે આગામી દિવસોમાં પીવાના પાણી પ્રશ્ને નખત્રાણા, લખપત જેવા વિસ્તારો સહિત આયોજન ગોઠવવા પાણી પુરવઠા વિભાગને જણાવ્યું હતું. આ અગાઉ જિલ્લા સંકલન સમિતિની પ્રથમ તબક્કાની અધિકારીઓની બેઠકમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આગામી ચોથી માર્ચે ગાંધીધામ અથવા ભચાઉમાં લીગલ લિટરસી કેમ્પના આયોજનમાં દરેક વિભાગોને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપવા લાભાર્થીઓની યાદી બનાવી પ્રાંત અધિકારીઓને કામગીરીનું સંકલન કરવા જણાવ્યું હતું. ઉપરાંત ભુજ ખાતે ટાઉનહોલમાં વહીવટીતંત્ર અને મૂક-બધીર મંડળ તેમજ એનજીઓ અને કોર્પોરેટના સમન્વયથી કચ્છ-સૌરાષ્ટ્રના મૂક-બધીરો માટે મેરેજ પાર્ટનર મેળવવા આગામી 18મી માર્ચે આયોજિત થનારા કાર્યક્રમમાં સહયોગ આપવા, એસ.ટી. બસ સ્ટેશન ખસેડાતાં મિડલ સ્કૂલ-ડાયેટ પાસે પીકઅપ સ્ટેન્ડ બનાવવાના પ્રશ્ને ચર્ચા કરી હતી. જિલ્લામાં સરકારી કચેરીમાં કરાયેલી ભરતીનું ચિત્ર વિધાનસભા સુધી પહોંચાડી શકાય તે માટે રોજગાર વિનિમય કચેરીને તમામ વિભાગો દ્વારા આંકડાકીય વિગતો આપવા, મમુઆરા ગામે નાની સિંચાઇની તળાવ સાઇટમાં ખનિજ લીઝથી તળાવને નુકસાન અટકાવવા, એટીવીટીનાં ચાલુ વર્ષે હાથ ધરાનારાં કામોનું આયોજન કરવા, સરકારી લેણાંની વસૂલાતમાં ગતિ લાવવા, રાપર અને લખપત વિકાસશીલ તાલુકા માટે સ્કિલ ડેવલપમેન્ટ, આરોગ્ય વિષયક યોજનાને અગ્રતા આપવા નિર્દેશો આપ્યા હતા.અધિક કલેક્ટર ડી.આર.પટેલે નાગરિક અધિકારપત્ર અને ઓનલાઇન ડેટા એન્ટ્રી માટે વિવિધ વિભાગોને તાકીદ કરી હતી. પડતર તુમારો અને પેન્શન કેસોના ઝડપી નિકાલ લાવવા, લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાનાં કામોની યાદી તાકીદે આપવા સંબંધિત કચેરીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં પશ્ચિમ કચ્છના એસ.પી. એમ.એસ. ભરાડા, પૂર્વ કચ્છના ડીવાય.એસપી શ્રી સૈયદ, ભુજના પ્રાંત અધિકારી આર.જે. જાડેજા, સ્ટેમ્પ ડયૂટી નાયબ કલેક્ટર શ્રી કાથડ, સિવિલ સર્જન ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાય, પાણી પુરવઠા વિભાગના એલ.જે. ફફલ, સીડીએચઓ ડો. પંકજ પાંડે, નાયબ પશુપાલન નિયામક ડો. બ્રહ્મક્ષત્રિય, ડેપ્યુ. ડીડીઓ અશોક વાણિયા, એસ.ટી.ના શ્રી ચારોલા, ડીપીઓ શ્રી રાઓલ, અબડાસા પ્રાંત શ્રી જાડેજા, મુંદરા પ્રાંત શ્રી વસ્તાણી, લીડ બેંક, પીજીવીસીએલ સહિત જુદા-જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer