આદિપુરમાં રાષ્ટ્રધર્મ અંગે પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ યોજાયો

આદિપુર, તા. 17 : અહીં તાજેતરમાં ગાંધી સમાધિ મધ્યે સિટીઝન અવેરનેસ કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રધર્મ અંગે પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિપુર-ગાંધીધામના તમામ વર્ગના તબીબો, વકીલો, શિક્ષકો, રાજકીય નેતાઓ, શ્રમજીવીઓ, સાર્વજનિક સંસ્થાના અગ્રણીઓએ આત્મજાગૃતિના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં યુવાનો અને મહિલાઓ સૌ બહોળી સંખ્યામાં એકમાત્ર ભારતીય નાગરિક તરીકેની ઓળખ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ નગરપાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ ભર્યા, સંકુલના અગ્રણીઓ, યુવા પ્રતિનિધિઓ તથા સિટીઝન અવેરનેસ કાઉન્સિલના સક્રિય સભ્યોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા થયો હતો. સિટીઝન અવેરનેસ કાઉન્સિલની રચના અને તેના હેતુ અંગે શ્રીમતી વિરાજ દેસાઈએ વિગતવાર છણાવટ કરી હતી. ત્યારબાદ બે મિનિટ આંખો બંધ કરી સૌએ રાષ્ટ્રધર્મ અંગે આત્મમંથન કર્યું હતું. નગરપાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈએ રાષ્ટ્રધર્મ અંગે આત્મજાગૃતિની પ્રતિજ્ઞાનું સમૂહપઠન કરાવ્યું હતું. પોતાના રાષ્ટ્રધર્મ અંગે આત્મજાગૃતિના નવા વર્ષના શુભ સંકલ્પ સાથે સૌ તેમાં જોડાયા હતા. આ અવસરે ડો. અબ્દુલ કલામે `શું તમારા પાસે તમારા દેશ માટે દસ મિનિટ છે' એવા પ્રશ્ન સાથે સાચા નાગરિક તરીકેના કર્તવ્ય અંગેના રજૂ કરેલા વિચારોની પ્રતનું વિતરણ કરાયું હતું. આત્મજાગૃતિ પ્રતિજ્ઞામાં જોડાયેલા યુવા પ્રતિનિધિઓ અને અગ્રણીઓએ પોતાના વિચાર રજૂ કરતાં `સેલ્ફ અવેરનેસ' જ બધી સમસ્યાઓનો હલ હોવાનું મંતવ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં કાઉન્સિલના મનીષભાઈ ઠક્કર, મુકેશભાઈ લખવાણી, શ્રી જગેશિયા, પ્રવીણભાઈ દવે, નીલેશભાઈ મહેતા, પ્રકાશભાઈ કંસારા, ભાર્ગવભાઈ ભટ્ટ, હેમલતાબેન મોતા, ચિંતનભાઈ મહેતા, મયૂર દેસાઈ અને યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer