ટીમ ઇન્ડિયાનું `બમ બમ ભોલે'

ટીમ ઇન્ડિયાનું `બમ બમ ભોલે'
પોર્ટ એલિઝાબેથ, તા. 13 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી છ વન-ડે મેચોની શ્રેણીના આજે અહીં રમાયેલા પાંચમા અને રોમાંચક બનેલા મુકાબલામાં ભારતે યજમાન ટીમને 73 રને પછડાટ આપી ઇતિહાસ રચ્યો હતો. ખરાબ ફોર્મના કારણે ટીકાકારોના નિશાને રહેલા રોહિત શર્માના શાનદાર 115 રનની મદદથી ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 274 રન ખડકી દીધા હતા. 275ના લક્ષ્ય સાથે મેદાનમાં ઊતરેલી આફ્રિકી ટીમ 42.2 ઓવરમાં 201 રન બનાવી ઓલઆઉટ થઇ હતી. ભારતે શ્રેણીમાં 6માંથી 4 વિજય મેળવવા સાથે ઇતિહાસ રચ્યો હતો. કારણ કે વિતેલા 25 વર્ષમાં દ. આફ્રિકાની ભૂમિ પર પહેલી વાર શ્રેણીવિજય હાંસિલ કર્યો છે. આ વિજય સાથે ભારત આઇસીસી વન-ડે રેન્કિંગમાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે. ટોસ હારીને બેટિંગમાં ઊતરનાર ભારતે આપેલા મજબૂત પડકાર બાદ દક્ષિણ આફ્રિકાના બેટધરો કુલદીપ યાદવની 4 વિકેટ, હાર્દિક પંડયાની બે વિકેટ અને જસપ્રિત બુમરાહ તથા યજુવેન્દ્ર ચહલની એક-એક વિકેટ સામે ઢળી પડયા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ 71 રન હાસિમ આમલાએ કર્યા હતા. જ્યારે ઓપનર એડેન માર્બનના 32, ડેવિડ મિલરના 36 અને હેન્રીય કલીસીન 39 રનનો પુરુષાર્થ એળે ગયો હતો. રોહિત શર્માની શાનદાર સદી બાદ ભારતીય બોલરોએ આજે મહાશિવરાત્રિના દિવસે ઉજ્જવળ દેખાવ કરી દક્ષિણ આફ્રિકી ધરતી પર પહેલીવાર શ્રેણીવિજય મેળવી ઇતિહાસ રચ્યો હતો. 34.3 ઓવરમાં હાસિમ અમલા આઉટ થયા પછી આફ્રિકાના વિજયની આશા તૂટી પડી હતી. શ્રેણીની છઠ્ઠી અને અંતિમ વન-ડે શુક્રવારે રમાશે. અગાઉ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની પાંચમી વન-ડેમાં ભારતીય ટીમે આફ્રિકા સામે 274 રનનો જુમલો ખડક્યો હતો. સતત નિષ્ફળ રહેલા રોહિત શર્માએ આજે આફ્રિકા સામે ફરી એક વખત પોતાના બેટ વડે ટીકાકારોને જવાબ આપતાં તોફાની સદી ફટકારી હતી. રોહિત શર્માએ ફોર્મ પરત મેળવતાં આજે 126 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 115 રન કર્યા હતા. આ ઉપરાંત શિખર ધવને 34 રન ફટકાર્યા હતા અને દક્ષિણ આફ્રિકાને જીત માટે 275 રનનું લક્ષ્યાંક આપ્યો હતો. પોર્ટ એલિઝાબેથમાં રમાઈ રહેલી 6 વન-ડે શ્રેણીની પાંચમી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી ઓપનિંગમાં ઊતરેલા શિખર ધવને મજબૂત શરૂઆત અપાવતાં 23 બોલમાં 34 રન ફટકાર્યા હતા. શિખર ધવન 8મી ઓવરમાં રબાડાની બોલિંગમાં આઉટ થયો હતો. બીજી તરફ રોહિત શર્માએ સ્કોર આગળ ધપાવતા ફોર્મ પરત મેળવ્યું હતું અને 115 રન ફટકાર્યા હતા. આ ઈનિંગમાં રોહિતે 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. શિખર ધવન બાદ મેદાનમાં આવેલા વિરાટ કોહલીએ 36 રન કર્યા હતા જો કે રનઆઉટ થઈને કોહલી પેવેલિયન પરત ફર્યો હતો. એક સમયે ભારતનો સ્કોર 300 ઉપર જશે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે રોહિત શર્માની વિકેટ બાદ સમયાંતરે વિકેટો જતાં ભારત નિયત 50 ઓવરમાં 7 વિકેટે 274 રન કરી શક્યું હતું. આફ્રિકા તરફથી ફરી એક વખત લુન્ગી નગીડી સફળ બોલર સાબિત થયો હતો અને 9 ઓવરમાં 51 રન આપીને ચાર વિકેટો ખેડવી હતી. આ ઉપરાંત રબાડાએ 1 વિકેટ લીધી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer