ભચાઉમાં ભાજપના કાંગરા ખેરવવા કોંગ્રેસે કમર કસી

ભચાઉમાં ભાજપના કાંગરા ખેરવવા કોંગ્રેસે કમર કસી
અદ્વૈત અંજારિયા દ્વારા  ભચાઉ, તા. 13 : પહેલાં વિધાનસભા પછી ગ્રામ પંચાયતો અને હવે નગરપાલિકા ચૂંટણીને કારણે રાજકીય ગરમીમાં ભરશિયાળે શેકાઇ રહેલા વાગડ પંથકમાં સામાન્ય રીતે મજબૂત ગણાતી કોંગ્રેસને ગઇ ચૂંટણી વખતે ભાજપે ભાંગફોડના શત્રથી પછાડી હતી. ભચાઉ નગરપાલિકાને લાગેવળગે છે ત્યાં સુધી ભગવો ફરકાવતા આ ગઢના કાંગરા ખેરવવા આ વખતે પંજાએ કમર કસી છે, જ્યારે ભચાઉથી ઠેઠ માંડવી-મુંદરા જઇને વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને પછડાટ આપનારા ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં કેસરિયો પક્ષ માત્ર ગઢ જાળવી રાખવા જ નહીં બલ્કે વિપક્ષનો સફાયો કરવાના મૂડમાં જણાય છે. માત્ર 22 હજારથી થોડા વધુ મતદારો સાત વોર્ડની 27 બેઠકોનો ફેંસલો કરવાના છે ત્યારે બંને પક્ષે કાર્યાલયો ખોલીને ચૂંટણીજંગને રણ મેદાનમાં ફેરવ્યો છે. જાણકારો આ વખતે બંને પક્ષે 50-50 ટકા તક હોવાનું કહીને ભાજપને એડવાન્ટેજ તો આપે છે. વર્ષ 2013ની નગરપાલિકા ચૂંટણીમાં ભચાઉએ અનેક ચડાવ ઉતાર જોયા હતા. કેસરિયા પક્ષમાં ભંગાણ પાડીને કોંગ્રેસે વટ જાળવ્યો હતો પરંતુ ભાજપે ચૂંટણી પછી વિજેતા કોંગ્રેસના મોટા જૂથને સભ્યોને ભાજપમાં જોડી દઇને પાછલા બારણે સત્તા મેળવી હતી. કોંગ્રેસ છોડવાની આગેવાની હાલના ભાજપના ધારાસભ્ય વીરેન્દ્રસિંહે લીધી હતી 28 બેઠકો 27 ઉમેદવારો જૂના સીમાંકન મુજબ ગત ચૂંટણીમાં નવ વોર્ડ હતા અને ત્રણ-ત્રણ બેઠકો હતી. કુલ્લે 27 બેઠકો માટે ચૂંટણી તે વખતે યોજાઇ હતી પરંતુ હવે નવા સીમાંકન મુજબ વોર્ડ ઘટીને સાત થયા પરંતુ બેઠક વધીને 28 થઇ ગઇ, એક વોર્ડમાં ચાર બેઠકનું સીમાંકન છે. ઉમેદવારી પત્રની ચકાસણીમાં કોંગ્રેસને ઝાટકો લાગ્યો હતો અને સાતમાં વોર્ડમાં તેમના એક ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થઇ ગયું. એટલે હવે ચૂંટણીજંગ 27 બેઠકો માટે જ યોજાશે. ભાજપને એક બેઠક બિનહરીફ થઇ પરંતુ એ મુરતિયો કયો તે તો ચૂંટણી બાદ જ નક્કી થશે. બંને પક્ષે પ્રચારનો ધમધમાટ ભાજપ વતી ચૂંટણીનું સુકાન વીરેન્દ્રસિંહ જાડેજાએ જ સંભાળ્યું છે. તેમને સહ ઇન્ચાર્જ વિકાસ રાજગોરનો સાથ મળ્યો છે. અત્રે નોંધવું જરૂરી છે કે ગત ચૂંટણીમાં વીરેન્દ્રસિંહ કોંગ્રેસના જ્યારે વિકાસભાઇ ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ હતા. પહેલાં સામસામે અને હવે એકસાથે લોકશાહીના પર્વમાં ભાગ લઇ રહ્યા છે. કોંગ્રેસમાં ચૂંટણીનું સુકાન તરવરિયા એવા અશોકસિંહ ઝાલાએ સંભાળ્યું છે. અશોકસિંહ એક સમયે વીરેન્દ્રસિંહના સાથીદાર હતા. અન્ય રાજકીય કુરુક્ષેત્રમાં આ રીતે રસપ્રદ સંઘર્ષ મંડાયો છે. બંને પક્ષોએ ચૂંટણીપ્રચારનો ધમધમાટ ડોર-ટુ ડોરથી આરંભ્યો છે, કોંગ્રેસ ઢોલ-ત્રાસા વગાડી વગાડીને ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા પ્રયત્નશીલ છે. સામી બાજુ ભાજપ વિકાસકામોની યાદી તથા ભાવિ કામોના વાયદા સાથે પ્રચારમાં ઊતર્યો છે. કાર્યાલયો ખુલ્લી ગયાં છે અને કાર્યકરોથી ધમધમે છે. મતદારોની સંખ્યા વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ભચાઉ નગરની કુલ વસ્તી 39,516 છે. જેમાંથી નોંધાયેલા મતદારો 12,151 (પુ.) તથા 10,727 (ત્રી) મળીને 22,878 17મીએ મતપ્રયોગ કરશે. ભાજપને લાગેવળગે છે ત્યાં સુધી વીરેન્દ્રસિંહની પ્રતિષ્ઠા દાવમાં છે અને તેમના પુત્ર કુલદીપસિંહે સાતમા વોર્ડમાંથી ચૂંટણીજંગમાં ઝુકાવ્યું છે. તેઓ હાલે પાલિકામાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. આ યુવા નેતા સ્વાભાવિકપણે ભાજપ જીતે તો પ્રમુખપદના દાવેદાર ગણાશે. સામી તરફ કોંગ્રેસના અશોકસિંહ પાલિકાના અગાઉ પ્રમુખ રહી ચૂકયા છે અને મતદારોમાં તેમના શાસને ઊંડી છાપ છોડી હોવાનું ઘણા કહે છે. કોંગ્રેસ ઉમેદવાર પસંદગીમાં જૂના- નવાનું પ્રમાણ જાળવ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં ભચાઉ ગાંધીધામ બેઠકમાં સમાવિષ્ટ હતું અને ત્યારે ભાજપને નગરમાંથી લીડ મળી હતી. કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ અશોકસિંહને રાપરની જવાબદારી અપાઇ હતી અને રાપર બેઠક કોંગ્રેસના ફાળે ગઇ. હવે પાલિકા ચૂંટણીમાં ખુદ અશોકસિંહ ઉમેદવાર અને ચૂંટણી ઇન્ચાર્જ છે ત્યારે કોંગ્રેસને ફાયદો કરાવે છે કે નહીં તે તરફ સૌની મીટ મંડાઇ છે. બંને પક્ષનો ચૂંટણી ઢંઢેરો કેસરિયા પક્ષે હજુ ગઇકાલે જ ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો છે જેને સિદ્ધિ સંકલ્પ પત્ર નામ અપાયું છે. જેમાં નવી પાણીની લાઇન, ચાર નવા ટયૂબવેલ, અજાસર તળાવમાં નર્મદા પેયજળનો સંગ્રહ, ફિલ્ટર પ્લાન્ટ વગેરે ઊભો કરવો, ગટર, માર્ગોનાં કરાયેલાં કામો, સાંસ્કૃતિક વિકાસ, શિક્ષણ વગેરેનો સમાવેશ કરાયો છે. સાથે સાથે નિયમિત પાણી, ગટરનાં વહેતાં પાણી સદંતર બંધ કરાવવાં, ગટરનાં પાણીનો શુદ્ધીકરણ પ્લાન્ટ લાવવો, સફાઇ  માટે જેટિંગ મશીન, સાધનો, નવા ગામ વિસ્તારમાં ત્રણ કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ગટર લાઇન બેસાડવી, કચરો એકત્ર કરવા નવાં કન્ટેનર, ડસ્ટબીન બેસાડવાં, પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવો, કચરામાંથી ખાતર બનાવવા વર્મી કમ્પોઝ પ્લાન્ટ શરૂ કરવો, સ્ટ્રીટ લાઇટ માટે સોલાર પ્લાન્ટ બેસાડવો, આંબેડકર સર્કલનું નવીનીકરણ, સરદાર પટેલ સર્કલનું નવીનીકરણ, જરૂરત મુજબ નવાં ટ્રાફિક સર્કલ બનાવવાં, ટાઉન હોલનું નવીનીકરણ, પૂર્ણકક્ષાનું પુસ્તકાલય બનાવવાના સંકલ્પ કરાયા છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢરાને સંકલ્પપત્ર-વચનનામું ગણાવ્યો છે. જેમાં પક્ષે સંપૂર્ણ પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત સુચારુ વહીવટ ફરિયાદ-પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવું, દરેક વોર્ડમાં નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમો કરવા, પાલિકાના વહીવટી કર્મચારીઓમાં વધારો કરવો, વણઉકેલાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવો, ભચાઉની બહાર વસતા લોકો માટે સુવિધાઓ વધારવી, ફ્રી વાઇફાઇની સુવિધા, સુરક્ષા અને સુશાસન, બાગ-બગીચા, રમત-ગમત અર્થે મેદાન, રસ્તાનું નવીનીકરણ, સાર્વજનિક શૌચાલય, વૃક્ષારોપણ, રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ વગેરે જેવા વચનો નાગરિકોને અપાયા છે. કોંગ્રેસ પુરાવા આપે કોંગ્રેસના આક્ષેપોનો એક જ લીટીમાં જવાબ આપતાં ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અને ધારાસભ્ય વીરેન્દ્રસિંહે કહ્યું હતું કે, પુરાવા આપીને કોંગ્રેસ તેના આક્ષેપો સાબિત કરે. જરૂર પડયે માહિતીના અધિકાર તળે વિગતો મેળવો. તેમણે પ્રતિઆક્ષેપ કરતાં કહ્યું હતું કે ખરેખર તો ચૂંટણીજંગમાં કોંગ્રેસ ક્યાંય નથી. સદી જૂના આ પક્ષને ઉમેદવારો જ મળ્યા નથી. એક વોર્ડમાં તો તેમના મહિલા ઉમેદવાર બુટલેગર છે. તેમણે કોઇ કેસ ન હોવાનું ખોટું સોગંદનામું પણ કર્યું છે. પેવર બ્લોકના ભ્રષ્ટાચારને લાગેવળગે છે ત્યાં સુધી કોંગ્રેસના શાસન વખતે શહેરમાં બનાવાયેલી નવેનવી ફૂટપાથ તોડીને પેવર બ્લોક તેમણે પથરાવ્યા હતા એ શું હતું ? અમે તમામ 28એ 28 બેઠકો જીતશું. કોંગ્રેસનો તદ્દન સફાયો થઇ જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વીરેન્દ્રસિંહ જાડેજાની વાડી ખાતે `કચ્છમિત્ર' સાથે વાતચીત કરતાં વચ્ચે વચ્ચે તેઓ પાણી પુરવઠાના અધિકારીઓ સાથે માંડવીના પીવાના પાણીના પ્રશ્નના ઉકેલાર્થે ચર્ચા કરતા રહ્યા હતા. પુત્ર કુલદીપને પ્રમુખ બનાવશો તેવો પ્રશ્ન કરતાં તેમણે કહ્યું હતું કે, એ તો પક્ષ નક્કી કરશે. ભાજપ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપકોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ અશોકસિંહે પાલિકામાં ચાલતા ભાજપના શાસન ઉપર ભ્રષ્ટાચારના થોકબંધ આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ખાનગી રીતે રૂા. 50માં પેવર બ્લોકનું કામ થાય છે પરંતુ નગરપાલિકા 125થી 150 રૂા.માં આ કામ ટેન્ડરથી આપે છે. આવા છ કરોડના કામો થયા છે તેમાં ભારે ભ્રષ્ટાચાર આચરાયો છે. છ મહિનાથી ફાયર બ્રિગેડ (લાયબંબો) મરંમતમાં છે છતાંય આગના બનાવોમાં ડીઝલના બિલ બની જાય છે. કોંગ્રેસના કાર્યકાળમાં વસાવાયેલું ગટર સફાઇનું મશીન બંધ હાલતમાં છે. કચરો ઉપાડવાનું સાધન પણ ઠપ છે. શહેરની સફાઇ ચાર-પાંચ લાખમાં થઇ જતી હવે તેના રૂા. 12 લાખ ખર્ચાય છે છતાંય ક્યાંય સફાઇ થતી નથી. મુખ્ય અધિકારીથી માંડીને મહત્ત્વની જગ્યાઓ ખાલી પડી છે જ્યારે સફાઇ જેવા કામોમાં અનેકગણો સ્ટાફ છે. પાલિકાના કોઇ વાહનોની લોગબુક છે જ નહીં. ડીઝલ ખર્ચા ઉપર કોઇ અંકુશ નથી વગેરે વાતો તેમણે કરી હતી. કરગરિયા તળાવ અઢી કરોડના ખર્ચે બાંધવાનું હતું એ કામના કોઇ ઠેકાણા જ નથી તેવું કહીને અશોકસિંહે ઉમેર્યું હતું કે નાગરિકો ભાજપના શાસનથી કંટાળ્યા છે અને એટલે જ હવે પંજાને સાથ આપશે. પ્રચારમાં હવે ગરમી આવશે ચૂંટણી આડે હવે જૂજ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નગરપાલિકાના ચૂંટણીપ્રચારમાં હવે ગરમી આવે તેવા એંધાણ મળે છે.  ભાજપ તેનું મુખ્ય કાર્યાલય આજકાલમાં શરૂ કરી દેશે. બીજી બાજુ કોંગ્રેસ તેના રાપર તથા અબડાસાના ચૂંટાયેલા ધારાસભ્યોને પ્રચારજંગમાં ઉતારશે. રાપરમાં કોંગ્રેસે વિધાનસભા પછી ગ્રામ પંચાયતોમાં પણ સેંધ મારી હતી. હવે રાપર તથા ભચાઉ નગરપાલિકામાં પણ પંજો મારવા આતુર છે. રાપર વિધાનસભાના વિજયનો ઉન્માદ અને અસર પાલિકા ચૂંટણીઓ ઉપર પડવાની સંભાવના ઘણા જોઇ રહ્યા છે. નર્મદા નહેરના વડાપ્રધાનના કાર્યક્રમ બાદ પણ નહેરમાં પાણી ન આવતાં ભચાઉ તથા આસપાસનો ખેડૂતવર્ગ ઉદાસીન છે. ઘણાએ પાણી આવશે એમ ધારીને પમ્પ, પાઇપલાઇનનો ખર્ચો કરી નાખ્યો છે જે માથે પડયો હોવાની લાગણી પ્રબળ બની છે. આમ તો પાલિકાની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો જ અસરકર્તા બનતા હોય છે તેથી શું થશે તે તરફ સૌની મીટ છે. ભચાઉના મુખ્ય પ્રશ્નો ગત પાંચ વર્ષમાં પાલિકાએ વિકાસાર્થે રૂા. 10 કરોડ વાપર્યા છે પરતુ શહેરમાં શું ખૂટે છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો. નાગરિકોના કહેવા મુજબ અત્યારે પીવાનું પાણી 50 ટકા નર્મદામાંથી જ્યારે 50 ટકા બોર આધારિત છે. જો નર્મદાના પેયજળ બંધ થાય તો મોટી સમસ્યા ઉદ્ભવે. વિકલ્પનું કોઇ આયોજન નથી. શહેરમાં સફાઇનો મોટો પ્રશ્ન છે. મુખ્ય બજારને બાદ કરતાં ક્યાંય સફાઇ નથી જ નથી. નગરમાં શાક બજાર કે ચારા બજારની વ્યવસ્થા નથી. બાગબગીચા નથી, તો જે સાર્વજનિક સ્મશાન છે ત્યાં ગટર ઊભરાવાની સમસ્યા મોટી છે. મુખ્ય રસ્તાઓ ટ્રાફિકના ભારણની દૃષ્ટિએ પહોળા કરવા જરૂરી છે. દુધઇ રસ્તે રેલવે ફાટક સમસ્યારૂપ બનતું   જતું હોવાથી ત્યાં રેલવે ઓવરબ્રિજ બને તેવી વ્યાપક લાગણી છે. મતદારો શું ઇચ્છે છે ? નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સત્તા ઉપર ગમે તે પક્ષ આવે પરંતુ મતદાર શું ઇચ્છે છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો. ગામના વેપારી ચમનલાલ લખમશીએ જણાવ્યું હતું કે, જેવી રીતે અત્યારે બજારમાં સાફસફાઇ થાય છે તેવી જ રીતે અન્ય શેરી-મહોલ્લામાં પણ?થવી જોઇએ. પાલિકા સફાઇવેરો, દીવાબત્તી વેરો ઉઘરાવે જ છે તો પછી શેરી-મહોલ્લામાં સફાઇ?ન થાય તે ઇચ્છનીય નથી. શહેરમાં દરેક સ્થળેથી ગંદકી હટાવવી આવશ્યક છે. શહેરમાં જે વૃક્ષો ઊગેલાં છે તેનું જતન થાય અને નવાં વૃક્ષોનું વાવેતર થાય તે જરૂરી છે.  ઘણા ઘરોમાં બોલ વાલ્વની વ્યવસ્થા નથી. પરિણામે ટાંકી છલકે છે અને ગંદકી થાય છે. તેના ઉપર અંકુશ લવાય તેવી માગણી તેમણે કરી હતી. ભચાઉના બટિયા વિસ્તારના વેપારી ઉમર જુસબ કુંભારે કહ્યું હતું કે, સ્ટ્રીટલાઇટો નિયમિત ચાલુ રહેવી જોઇએ. વરસાદી નાળાંઓની નિયમિત સફાઇ?કરી ગંદકી મુક્ત રાખવાં જોઇએ.  જેમ ઉમેદવારો ચૂંટણી ટાણે લોકોને મળે છે તેમ ચૂંટણી પછી પણ વર્ષમાં બે-ચાર વખત મળવાનું રાખે તો ઘણી સમસ્યા ઉકલી જાય તેવું તેમણે ઉમેર્યું હતું. દરમ્યાન, અમુક વેપારીઓએ એવું પણ ઉમેર્યું હતું કે, ભૂકંપને 17 વર્ષ બાદ સુધરાઇને રૂપિયા ભરી જાહેર હરાજીથી દુકાન-ખુલ્લી છત લીધી હતી તેમને ન્યાય મળ્યો નથી તેમ?શાકમાર્કેટમાં પણ જર્જરિત બનવા જઇ રહેલી દુકાનો દેવી જોઇએ.  : (પૂરક માહિતી : મનસુખ ઠક્કર, કમલેશ ઠક્કર)  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer