કપાયા પાસે ટ્રેઇલર-છકડા અકસ્માતમાં પિતા-પુત્રનાં મોત

કપાયા પાસે ટ્રેઇલર-છકડા અકસ્માતમાં પિતા-પુત્રનાં મોત
મુંદરા, તા. 13 : તાલુકાના મોટા કપાયા અને નાના કપાયા ગામની વચ્ચેના મુખ્ય ધોરીમાર્ગ ઉપર પાછળથી ટ્રેઇલરની ટક્કર લાગતાં એ જ રસ્તા ઉપર આગળ જઇ રહેલા છકડામાં બેઠેલી બે વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે. મૃતકમાં એક માસૂમ બાળક અને એક યુવકનો સમાવેશ થાય છે. જેમાં મૂળ મધ્યપ્રદેશનાં વિનોદપાલ લખનપાલ (ઉ. 31) અને તેમનાં પુત્ર અનિલનો સમાવેશ થાય છે. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર માટે એકને ભુજની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઇજાગ્રસ્તમાં સમાઘોઘાના અછેલા રામનાથ?ચૌધરી (ઉ.વ. 50) અને નાની ભુજપુરના મેઘરાજ કાકુ ગઢવી (ઉ.વ. 48)નો સમાવેશ?થાય છે. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે જીવલેણ અકસ્માતની ઘટના બનતાં લોકોમાં ભારે શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. બનાવની વિગત એવી છે કે ટ્રેઇલર નં. જીજે-12-એટી- 9114 અને છકડો બન્ને એક જ દિશામાં મોટા કપાયાથી મુંદરા તરફ આવી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ  ઝડપે દોડી રહેલા ટ્રેઇલરે છકડાને ટક્કર મારતાં છકડાનો ભુક્કો બોલી ગયો હતો. જેથી છકડામાં મુસાફરી કરી રહેલા હતભાગીઓ જીવલેણ અકસ્માતનો ભોગ બનવા પામ્યા હતા. બનાવની જાણ થતાં પ્રથમ 108ને જાણ કરવામાં આવી હતી પરંતુ તે બહારગામ હોવાથી કાંરવા-એ-મુસ્તફા હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લોહી નિંગળતી હાલતમાં મુંદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મધ્યે અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓને ખસેડવામાં આવી હતી. મોટા કપાયાના સરપંચ ધનજીભાઇ ધેડાએ જણાવ્યું હતું કે, ભારે વાહનો માટે મોટા કપાયાનો રસ્તો પ્રતિબંધિત છે.  પ્રાગપુર રોડથી નવા રોડ તરીકે ઓળખાતા રસ્તેથી ભારે વાહનોએ પોર્ટ તરફ જવાનું છે. તેમ છતાં જાહેરનામાનો ભંગ કરીને ભારે વાહનો મોટા કપાયા ગામમાંથી પસાર થાય છે. ઘટનાની જાણ થતાં સેવાભાવી લોકો અસરગ્રસ્તોની મદદ માટે મુંદરા સરકારી હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. જેમની મોડેસુધી ઓળખ શક્ય બની એવા બે મૃતકમાં એક ચાર વર્ષનું બાળક જ્યારે અન્ય અંદાજે 35 વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે. જ્યારે તાલુકામાં અકસ્માતોની ઘટનાને ધ્યાને લેતાં 108ના બે વાહનો હોવા જોઇએ તેવી માંગ પણ ઊઠી છે. ઘટનાની ફરિયાદ સ્થાનિક પીએસઆઇ ટી.એચ. પરમાર ચલાવી રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer