પાવરપટ્ટીમાં ધાડ પાડી 72 હજારનો માલ લૂંટાયો

પાવરપટ્ટીમાં ધાડ પાડી 72 હજારનો માલ લૂંટાયો
ભુજ, તા. 13 : નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારમાં અમરગઢ ગામના પાટિયા નજીક ખાનગી ઠેકેદાર કંપનીની સાઇટ ઉપર ગત મધ્યરાત્રિએ ત્રાટકેલા બુકાનીધારી ધાડપાડુઓની ટોળકીએ એક જણની હત્યાનો  પ્રયાસ કરવા સાથે સિમેન્ટના જથ્થા સહિત રૂ. 72400ના મુદ્દામાલની લૂંટ ચલાવતાં સમગ્ર પોલીસબેડું ભારે દોડધામમાં પડી ગયું છે. આ લખાય છે ત્યાં સુધી આ કૃત્ય કરનારાઓ વિશે હજુ કોઇ કડી તપાસનીશોને મળી નથી.  બહાર આવેલી વિગતો અનુસાર  અમરગઢ પાટિયા નજીક કાર્યરત રાજસ્થાનના જોધપુરની કરણી માતા કન્સટ્રકશન કંપનીની સાઇટ ખાતે તથા બાદમાં અમરગઢ પાટિયાથી નિરોણા ગામ સુધીના માર્ગ ઉપર આ સમગ્ર સનસનીખેજ કિસ્સાને ધાડપાડુઓએ અંજામ આપ્યો હતો. જેમાં એકબાજુ સિમેન્ટની 70 બોરી સહિત કુલ્લ રૂા. 72400નો મુદ્દામાલ ધાડ પાડીને લૂંટી જવાયો હતો. તો બીજીબાજુ વિઠ્ઠલભાઇ સવદાસભાઇ સીસોદિયાની હત્યાનો ફિલ્મીઢબે પ્રયાસ પણ કરાયો હતો.  અમારા નખત્રાણા બ્યૂરો તથા પાવરપટ્ટી વિસ્તારના પ્રતિનિધિ દ્વારા પોલીસને ટાંકીને અપાયેલા અહેવાલ મુજબ બનાવ બાબતે મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના  લાવડ ગામના રહેવાસી હેમંતભાઇ ડાડુભાઇ ચાવડા આહીરે બનાવ બાબતેપોલીસ ફરિયાદ લખાવી હતી. જેમાં આરોપી તરીકે મોઢા ઉપર કપડું (બુકાની) બાંધેલી હાલતમાં સિલ્વર કલરની સ્ટીલ ગ્રીલવાળી નંબર પ્લેટ વગરની બોલેરો કેમ્પર્સ ગાડીમાં આવેલા પાંચથી છ અજ્ઞાત ઇસમને બતાવાયા છે.આ તહોમતદારો ગુજરાતી ભાષા બોલતા હતા અને તેમની વય 25 થી 30 વર્ષની હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.  બીજીબાજુ આજે સવારે આ કિસ્સો પોલીસના દ્વારે પહોંચતાં કાયદાના રક્ષકોએ જબ્બર દોડધામ મચાવી હતી. ખુદ જિલ્લા પોલીસ અધીક્ષક એમ.એસ. ભરાડા તથા અન્ય અધિકારીઓ સાથે તપાસનીશ નખત્રાણા ફોજદાર એલ.પી. બોદાણા પોલીસ જવાનોના કાફલા સાથે સ્થાનિકે દોડી ગયા હતા અને છાનબીનમાં પરોવાયા હતા. આજે બપોર બાદ તપાસનીશ ટુકડીએ ઘટના સ્થળે પંચનામાં સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી.  ધાડના આ સમગ્ર કિસ્સાની વધુ વિગતો અનુસાર નંબર પ્લેટ વગરની બોલેરો કેમ્પર્સ જીપમાં આવેલા ધાડપાડુઓ એરગન ઉપરાંત લોખંડના પાઇપ અને લાકડીઓ જેવા હથિયારોથી સજજ હતા. ઠેકેદાર કંપનીની આ સાઇટ ઉપર હાજર મજૂરોને તેમણે ધાકધમકી કરી હતી અને 50 કિલો વજનની કમળ સિમેન્ટની રૂા. 18900ની 70 બોરી ઉપરાંત રૂા. 25 હજારની લોખંડની 10 પ્લેટ, રૂા. નવ હજારની કિંમતનું કટર, પ્લાસ્ટિકની ટાંકી, 90 મીટર રસ્સી વગેરે મળી કુલ્લ રૂા. 72400ની કિંમતનો મુદ્દામાલ તેઓ લૂંટી ગયા હતા.  આ ઉપરાંત કંપની સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઇ સીસોદિયાની જી.જે.6-7521 નંબરની મારૂતિ સ્વીફટ કારનો પીછો કરી જીપથી કારને ટકકર મારી તેમની હત્યાનો પ્રયાસ પણ કરાયો હતો.  બનાવના પગલે ચોમેર વાયલેસ સંદેશાઓ પાઠવી, નાકાબંધી સહિતના પગલાં અમલી બનાવી પોલીસે તપાસ અવિરત રાખી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer