કચ્છ બન્યું દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન

કચ્છ બન્યું દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન
ભુજ, તા. 13 : સર્જન-વિસર્જનના દેવ, કાળના પણ મહાકાલ એવા દેવાધિદેવ ભગવાન શ્રી શિવજી મહારાજની આરાધનાના વિશેષ પર્વ શિવરાત્રિએ કચ્છભરનાં શિવાલયો, મુખ્ય માર્ગો મહાદેવના રંગે રંગાયા હતા. માંડવીથી શરૂ થયેલો શોભાયાત્રાનો સિલસિલો ભુજથી  આગળ વધીને હવે મુખ્ય તાલુકા મથકો સુધી વાજતે-ગાજતે પહોંચી રહ્યો હોય તેમ મુંદરાએ પણ વિવિધ ફ્લોટસ અને દબદબાભેર શિવજીની શોભાયાત્રા કાઢી હતી. જિલ્લા મથક ભુજ સવારથી મોડી બપોર સુધી હર હર મહાદેવના નાદથી ગાજી ઊઠયું હતું, દર વર્ષે જેનું મહત્ત્વ વધતું જાય છે તેવી આ હિન્દુ સનાતન સમાજની સામૂહિક શોભાયાત્રાએ રસ્તા રોકયા હતા. સેવાભાવીઓએ રસ્તાની એકતરફ સેવા સ્ટોલ ખડા કર્યા હતા તો યુવાનો પણ આગવી ઢબે જોડાયા હતા. કેશરિયા ખેસ, વત્રો અને સંગીતના સથવારે નીકળેલી શોભાયાત્રામાં મહાપ્રસાદની પણ વ્યવસ્થા હતી જેનો 29 હજાર ભાવિકોએ લાભ લીધો હતો. ભુજ ફરતે દૂર-દૂર આવેલા શિવાલયો પણ ભાવિકોથી ધમધમ્યા હતા તો પ્રસિદ્ધ મહાદેવ મંદિરો પણ દિન-રાત ભાવિકોની આવ-જા શાસ્રોક્તવિધિથી ચેતનવંતા ભાસ્યા હતા. ભુજ : વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા સવારે 7.30 વાગ્યે જ્ઞાતિના યુવાનો તેમજ વડીલો દ્વારા હાટકેશ્વર મંદિરમાં સમૂહ મહિમ્નના પાઠ કરવામાં આવ્યા હતા. સવારે 8 વાગ્યે હોમાત્મક લઘુરુદ્ર યોજાયો હતો જેમાં વ્યવસ્થાપક મંડળના વૈશ્નવ, નાગર મંડળના સભ્યો તેમજ જ્ઞાતિના દંપતીઓઁએ લઘુરુદ્રનો લાભ લીધો હતો. આ લઘુરુદ્રની વિધિ?જ્ઞાતિના આચાર્ય જીતુભાઇ એન. વોરા તથા પરાગભાઇ રાણાએ કરાવી હતી. શિવરાત્રિ નિમિત્તે ધ્વજારોહણનો લાભ કૈલાસભાઇ વોરા પરિવારે તેમજ હવન પ્રસાદનો લાભ બકુલભાઇ રાણા પરિવારે લીધો હતો. લઘુરુદ્ર બાદ હાટકેશ કોમ્પ્લેક્સ મધ્યે સમસ્ત જ્ઞાતિજનો માટે સમૂહ ફળાહાર પ્રસાદ ભોજનનું આયોજન કરાયું હતું. દિવસના ચાર પ્રહરની મહાઆરતી યોજાઇ હતી, જેમાં કિશોરભાઇ વ્યાસ તથા વિવેકભાઇ વ્યાસ દ્વારા નોબતવાદન કરાયું હતું તેમજ મહાઆરતીની પૂજનવિધિ હાટકેશ્વરના પૂજારી કનૈયાલાલ વ્યાસે કરાવી હતી.  ગાંધીધામ : લીલાશાહનગર સ્થિત નારાયણેશ્વર મહાદેવ મંદિર, ચાવલા ચોક ખાતેના શિવ મંદિર સહિત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોએ ભોળાનાથના દર્શન કરવા કતાર લગાવી હતી. આ વેળાએ ઠેરઠેર હોમ-હવન, ચાર પ્રહરની પૂજા, રુદ્રાભિષેક, લઘુરુદ્રી સહિતના આયોજનો કરાયા હતા. સવારે, બપોરે, રાત્રે દેવાધિદેવ મહાદેવની સંગીતમય મહાઆરતી કરાઇ હતી.  આદિપુરના નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રિની પૂર્વસંધ્યાએ નગરમાં શોભાયાત્રા નીકળી હતી. વિવિધ ઝાંખીઓ સાથેની શોભાયાત્રા આદિપુરના મુખ્ય માર્ગો પર ફરી મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. આજે વહેલી સવારે મહાઆરતી, પ્રસાદ વિતરણ, સાંજે મહાઆરતી સહિતના યોજાયેલા કાર્યક્રમનો બહોળી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો. સમગ્ર આયોજન શિવ મંડળી દ્વારા કરાયું હતું. અંજાર : શહેરના અતિ પુરાણા મંદિર ભરેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર મહાદેવ મંદિર, પાતાલેશ્વર મહાદેવ મંદિર, મકલેશ્વર મહાદેવ મંદિર, કનકેશ્વર મહાદેવ મંદિર, પીપલેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, ભૂતેશ્વર મહાદેવ મંદિર, જંગલેશ્વર મહાદેવ મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, યોગેશ્વર મહાદેવ મંદિર વિગેરે પ્રખ્યાત મંદિરમાં ચાર પ્રહરની પૂજા, મહાઆરતી, ધૂન, રુદ્રી, અભિષેક વિગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.  માંડવી : શિવરાત્રિના મહાપર્વે જ્ઞાનગિરિજી ગુરુ નિર્મળગિરિજી મઠ અને સમસ્ત હિન્દુ સનાતન સમાજ આયોજિત શિવ શોભાયાત્રાએ શિવનાદ થકી વાતાવરણને ભાવભેર જમાવી દીધું હતું. આજે સવારે આઝાદ ચોક ખાતે આવેલા જ્ઞાનગિરિજી મઠ ખાતે મહંત બસંતગિરિજીની નિશ્રા અને આ વિભાગના ધારાસભ્ય વીરેન્દ્રસિંહજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર (નાના રતડિયા)ના સદીવીર મહંત ઋષિવર પૂ. ગિરિજાદત્તગિરિજી મહારાજે મઠના શિવ મંદિરના મહોરાને નમન કરીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. બપોરે આઝાદ ચોક ખાતે હજારો ભાવિકોની ભીડ વચ્ચે શિવ મહાત્મ્યનો સંદેશ આપતા ધાર્મિક વક્તવ્યો યોજાયા હતા. નારાયણ સ્વામી આશ્રમના મહંત શ્યામગિરિજીએ લાગણી પ્રદર્શિત કરતાં કહ્યું હતું કે, હજારો આસ્થાઓવાળી શોભાયાત્રાએ જૂનાગઢની યાદ અપાવી છે. નારાયણસરોવર જાગીરના ગાદીપતિ પૂ. આનંદલાલજી મહારાજ વગેરેએ ધર્મ-નીતિનું જતન કરવા શીખ આપી હતી. સ્વામિનારાયણ મંદિરના સ્વામી સત્યપ્રકાશદાસજીએ ભારત હિન્દુ એકતા થકી જ વિશ્વગુરુ તરીકે જગતને દોરવણી આપી શકશે એમ જણાવ્યું હતું. હિન્દુ યુવા સંગઠનના વડા રઘુવીરસિંહજી જાડેજાએ હિન્દુ રાષ્ટ્રવાદ વિના ધર્મવાદ, રાષ્ટ્રીય અખંડિતતા સંભવ નહીં હોવાનો વિચાર આગળ કરીને ઘરના ઘાતકીઓને પારખવાનો અનુરોધ કર્યો હતો. મહંત બસંતગિરિજીએ સનાતન હિન્દુ સમાજને સંગઠિત રહેવાની હાકલ કરી હતી. પ્રજાપિતા બ્રહ્માકુમારીના યોગિની ચંદ્રિકાદીદીએ શિવ મહિમા કહ્યો હતો. સત્સંગ આશ્રમના શાત્રી દીપકજી મંચસ્થ હતા. આ પહેલાં ટ્રેકટરો, બે રથો, ખુલ્લી જીપો, મોટરસાઇકલો, અશ્વો સાથે શોભાયાત્રા મુખ્ય બજાર, માર્કેટ પાછળથી લાખાસર ચોક, જૂના સ્વામિનારાયણ મંદિર, કંસારા બજાર થઇને આઝાદ ચોક ખાતે વિરામ પામી હતી. ઠેરઠેર ભાવિકોએ અલ્પાહાર, જળપાનનું આયોજન કર્યું હતું. સંચાલન મૂલેશભાઇ દોશીએ કર્યું હતું. મુંદરા : દશનામ ગોસ્વામી સમાજ તથા યુવા ગ્રુપ અને સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ઐતિહાસિક શોભાયાત્રા નીકળી હતી, જે ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરથી ભીડભંજન મહાદેવ મંદિરે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં બાળકો દ્વારા વેશભૂષા મુખ્ય આકર્ષણ રહ્યું હતું. શણગારેલા બળદગાડાં, અશ્વ, ટ્રેક્ટર, રથ તથા ડી.જે.ના તાલે યુવાનો-યુવતીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સવારથી જ તમામ મંદિરોમાં શંકર ભગવાનના ભજનોથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું. જવાહર ચોકમાં કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. ભીડભંજન મહાદેવ મંદિરમાં મહાઆરતી, સન્માનનો કાર્યક્રમ, સમૂહપ્રસાદ તથા રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં શિવભક્તો ઊમટી પડયા હતા. આ અવસરે મુંદરા દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ દિનેશગિરિ એચ. ગોસ્વામી, ઉપપ્રમુખ રમેશગિરિ કે. ગોસ્વામી, મહામંત્રી ભાવેશગિરિ પી. ગોસ્વામી, હરિગિરિ વી. ગોસ્વામી, જસવંતપુરી, નરેન્દ્રગિરિ, ગિરીશગિરિ, મુંદરાના પ્રથમ નાગરિક ધર્મેન્દ્ર જેસર, રાજુ ચોથાણી, રાજુ સત્યમ, કપિલ કેસરિયા સહિતના સામાજિક, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ખારીમીઠીનો દર વર્ષની જેમ આ વરસે પણ મેળો ભરાયો હતો. નખત્રાણા ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કાણેશ્વર મહાદેવ મંદિર મેઈન બજારથી મુખ્ય માર્ગ પર વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શંકર ભગવાન, પાર્વતીજી, ગણેશજી વગેરેની બાળાઓની વેશભૂષાએ શોભયાત્રાની રોનક વધારી હતી. મુખ્ય માર્ગ મહાદેવના નારા સાથે ગૂંજી ઊઠયો હતો. આ શોભાયાત્રા ઓમકારેશ્વર મહાદેવ મંદિર નવાવાસ મધ્યે પ્રસ્થાન થઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જૂના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર મેઇન બજાર ખાતે સવારથી ભાવિકોની ભીડ જામી હતી. નવાનગર ખાતે ત્રિલોચન મહાદેવ મંદિરે હર હર મહાદેવ સાથે આરતી કરવામાં આવી હતી. નીલકંઠ મહાદેવ મંદિર પિયોણી ખાતે આજે સવારથી મેળો જામ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં ભાવિકો પગપાળા વિથોણ જવા નીકળ્યા હતા. સાથે સાથે આજુબાજુના ગામના લોકોએ પાંખી રાખી શિવરાત્રિના મહાપર્વમાં જોડાયા હતા. પૂરેશ્વર, ધીણોધર, જડેશ્વર વગેરે મહાદેવ મંદિરો મધ્યે ભાવિકોની ભીડ જામી હતી. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા કલ્યાણેશ્વર મંદિરથી ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી. ધાર્મિક નારાઓ સાથે નીકળેલી શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. દશનામ ગોસ્વામી સમાજ પ્રેરિત મહાશિવરાત્રિ પર્વની ઉજવણીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાયો હતો. શોભાયાત્રા દરમ્યાન રાસ-ગરબા, તલવારબાજી, વેશભૂષા સહિતના આકર્ષણો ઉપરાંત બજાર ચોકમાં શિવ તાંડવ ગોંડલના ટી.વી. કલાકાર ભાવેશગિરિ ગોસ્વામીએ રજૂ કર્યું હતું. મહાશિવરાત્રિ પર્વમાં વિવિધ વર્ગના લોકો ઉપરાંત વેપારીઓ પણ જોડાયા હતા. આ નિમિત્તે ગૌસેવા માટે રૂા. 26000નો ફાળો એકઠો થયો હતો જે ગૌસેવા માટે વાપરવાની જાહેરાત કરાઇ હતી. દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ કલ્યાણગિરિ ગોસ્વામીએ ઉત્સવમાં સહભાગી બનનાર સૌનો આભાર માન્યો હતો. હિન્દુ વેપારીઓએ આ નિમિત્તે અડધો દિવસ પોતાના કામકાજ બંધ રાખ્યા હતા. રાપર : શહેરના નાગેશ્વર, રામેશ્વર, દૂધેશ્વર, નીલાગર, ઝર, ટપકેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ભક્તોની ભીડ? જોવા મળી હતી. શિવાલય ખાતે ભાંગ, પ્રસાદ, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં ખીમજી માલી, નરેન્દ્રસિંહ જાડેજા, ડાયાલાલ રાઠોડ, અશોક માલી, જયેશ?સોની, મનસુખલાલ ઠક્કર, મેહુલ જોશી, મામલતદાર સુરેશભાઇ સોલંકી, મોરારદાન ગઢવી, નાયબ મામલતદાર મહેશ?ઠક્કર, વાસુદેવ જોશી, બચુભાઇ આરેઠિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કન્યાશાળાની વિદ્યાર્થિનીઓએ ભોળાનાથનાં દર્શન કર્યા હતા. સવારે આરતી, મહાપૂજા, શિવ સ્તુતિ, ભાંગનો પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શહેરના તમામ શિવાલયોમાં ભક્તો ઊમટયા હતા અને શિવની સ્તુતિ કરી હતી. બપોરે ત્રણ વાગ્યે સમાવાસના રવેચી મંદિર ખાતેથી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભોળાનાથની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં દશનામ ગોસ્વામી સમાજના હોદ્દેદારો જયસુખગિરિ ગોસ્વામી, નિખિલગિરિ, દિનેશગિરિ, ધનસુખગિરિ, કીર્તિગિરિ, વિપુલગિરિ, કિશોરગિરિ અને આગેવાનો ઉપરાંત શહેરીજનો જોડાયા હતા. જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી. રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ તમામ શિવાલયોમાં યોજાયો હતો. રાત્રે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.    હર હર મહાદેવના નાદથી ભુજના માર્ગો ગાજ્યા  ભુજમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત મહાશિવરાત્રિની શોભાયાત્રાને સવારે 9.30 કલાકે પાળેશ્વર સ્થિત મહાકાલેશ્વર મંદિર ખાતેથી સ્વામિનારાયણ મંદિરના સંતો દેવપ્રકાશ સ્વામી, નારાયણમુનિ સ્વામી, ઉત્તમચરણ સ્વામી, કબીર મંદિરના સંત કિશોરદાસજીએ પ્રારંભ કરાવ્યો હતો. પાળેશ્વરથી નીકળેલી આ શોભાયાત્રા હમીરસર તળાવ, નવા સ્વામિનારાયણ મંદિર, આકાશવાણી, જ્યુબિલી ગ્રાઉન્ડ, સંતોષી માતાજી મંદિર, બસ સ્ટેશન થઈ પરત મહાદેવ નાકાએ પૂર્ણ થઈ હતી. જેમાં લગભગ 40થી 45 હજાર ભાવિકો જોડાયા હતા. જેનાથી માર્ગો હર હર મહાદેવના નાદ સાથે ગાજી ઊઠયા હતા. આ શોભાયાત્રામાં 35 જેટલા ફ્લોટ સાથે ભુજ દશનામ ગોસ્વામી સમાજ, ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રીમાળી સોની સમાજ, રાજપૂત સમાજ, ભાનુશાલી સમાજ, બારસાખ રાજપૂત સમાજ, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, વાલ્મીકિ સમાજ, દેવીપૂજક સમાજ, જંગમ સમાજ, નટસમાજ, નેપાળી સમાજ, બજરંગ દળ, તેજસ્વિની ગ્રુપ, કચ્છ આર્ટિસ્ટ ગ્રુપ વગેરે જોડાયા હતા. શોભાયાત્રામાં શંકર-પાર્વતી, હનુમાન, ગણેશની વેશભૂષામાં બાળકોએ આકર્ષણ જગાવ્યું હતું. આ શોભાયાત્રામાં રાજ્યમંત્રી વાસણભાઈ આહીર અને નગરપતિ અશોક હાથી દ્વારા પુષ્પવૃષ્ટિ કરાઈ હતી. આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. વાસણભાઈ આહીરે અડધા કલાક સુધી ઓરકેસ્ટ્રા સાથે રહી દેશભક્તિના ગીતો અને ભજનો ગાયા હતા. આ શોભાયાત્રા માટે ઠેરઠેર બ્રહ્મસમાજ, રબારી, મોચી, દરજી સમાજ, સ્વામિનારાયણ મંદિર, ધીંગેશ્વર મંદિર, સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટના જગત વ્યાસ વગેરે તરફથી ઠંડાંપીણાં, શેરડીનો રસ, વરિયાળીનું શરબત, ચેવડો-પેંડાની વ્યવસ્થા કરાઈ હતી. શોભાયાત્રા પૂર્ણ થયે હમીરસરના કાંઠે મહાપ્રસાદ યોજાયો હતો. જેનો અંદાજે 29 હજાર જેટલા ભાવિકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે પરાક્રમસિંહ જાડેજા, વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોમપુરા, ભૂતનાથ સેવા સંસ્થાનના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, શૈલેશ જાની, જગત વ્યાસ, દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ધીરજપુરી, દરેક સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો વગેરે જોડાયા હતા. શોભાયાત્રાને સફળ બનાવવા સમિતિના મહિદીપસિંહ જાડેજા, નરેશ પરમાર, ગૌરીગરભાઈ, અજિત પરમાર, હરેશભાઈ ઠક્કર, નવીનગિરિ, જગદીશભાઈ, ઘનશ્યામગિરિ, મિતેશ જેઠી, કીર્તિગિરિ, ભુજ દશનામ સમાજના ભાઈ-બહેનો, ભુજ મોટા સ્વામિનારાયણ મંદિર, ભૂતનાથ સેવા સંસ્થાના કાર્યકરો વગેરેએ સહયોગ આપ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer