દેશલપર (ગુંતલી)થી હાજીપીરનો માર્ગ જર્જરિત

દેશલપર (ગુંતલી)થી હાજીપીરનો માર્ગ જર્જરિત
હાજીપીર, તા. 13 : કચ્છની કોમી એકતાના પ્રતીક સમા હાજીપીર બાબાની દરગાહનો રસ્તો જર્જરિત બનતાં ભાવિકો અને પ્રવાસીઓ દ્વારા આ રસ્તા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 10 વર્ષથી કામ થયું નથી. આ અંગે સ્થાનિક ધારાસભ્ય, સંસદસભ્ય રાજકીય અગ્રણીઓ ને મેળા દરમ્યાન ઉદ્ઘાટન કરવા આવતા અગ્રણીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં આ રસ્તો શા માટે નથી બનતો તેવો સવાલ ખડો થયો છે. હાજીપીર-દેશલપર (ગુંતલી)નો 32 કિ.મી.નો માર્ગ બે ધારાસભ્યના મત વિસ્તારને લાગુ પડે છે છતાં આ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવા આ વિસ્તારના ગામલોકોની માગણી છે. નાયબ મુખ્યમંત્રી સમક્ષ ભુજ ખાતે ઉમેદ ભુવનમાં ઉગ્ર રજૂઆત કરાઈ હતી. જેમાં કચ્છના બધા રાજકીય સત્તાપક્ષના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા. છતાં માત્ર એસ્ટિમેટ જ તૈયાર થયું. આર.એન્ડ બી.ના અધિકારીઓને પૂછતાં કહે છે કે, સરકારમાં રજૂઆત કરાઈ છે. માર્ગ બિસમાર હોતાં 108 એમ્બ્યુલન્સને 30 મિનિટનો માર્ગ કાપતાં 90 મિનિટ લાગી જાય છે.નખત્રાણાથી આવતા વેપારીઓના વાહનોને પણ નુકસાન પહોંચતું હોવાનું વેપારી ચંદ્રેશ ઠક્કરે જણાવ્યું હતું. આ રસ્તાને હાજીપીર નજીક આવેલી કંપની દ્વારા માત્ર થીગડથાગડ કરાતાં પાછો આ રસ્તો ખરાબ હાલતમાં થઈ જાય છે. આ અંગે જિલ્લા ભાજપના અધ્યક્ષે પણ માર્ગ મકાનના મંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે છતાં આ રસ્તાનું કામ શરૂ થયું નથી. આગામી માર્ચ મહિનામાં હાજીપીરનો મેળો ભરાશે તે પહેલાં ડામરની પટ્ટીથી સમારકામ કરાય તો આવતા પ્રવાસીઓને રાહત મળે તેવું મુજાવર પરિવાર અને આજુબાજુના ગામ લોકોની લાગણી છે. જો માર્ગ નહીં બનાવાય તો નાછૂટકે લોકોને ગાંધીચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે, તેવું હાજી દાઉદ, અબ્દુલા બાવા, હાજી  અબ્બાસ, હાજી ઈસ્માઈલ, કાસમ મુજાવરે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer