પેથાપરમાં શહીદ જવાનના સ્મારકનું નિર્માણ

પેથાપરમાં શહીદ જવાનના સ્મારકનું નિર્માણ
મોથાળા (તા. અબડાસા), તા. 13 : અબડાસાના નાનકડા એવા પેથાપર સોઢા કેમ્પના યુવાન ફોજી શહીદ દીપસિંહ સોઢા જ્યારે ભારત-નેપાળ સરહદે ફરજ બજાવતા હતા ત્યારે મા ભોમની રક્ષા કાજે શહીદી વહોરી લેતાં માદરે વતનમાં શહીદ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને સોઢા સમાજની વસ્તીવાળા આ એક નાનકડા ગામમાંથી માતૃભૂમિની રક્ષા માટે સેનામાં ભરતી થયેલા સદગત દીપસિંહ યુવાન વયે શહીદ થતાં તેમના માનમાં ગ્રામજનોએ શહીદ સ્મારક બનાવતાં આ સ્મારકની ભાવ પ્રતિષ્ઠા વિધિ?કરવામાં આવી હતી. શહીદ દીપસિંહ સોઢા સ્મારક સમિતિ દ્વારા યોજાયેલા આ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં સંત કલ્યાણદાસજીએ દીપ પ્રાગટય કરીને દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી ચૂકેલા દીપસિંહની શહીદી થકી ગ્રામજનો હંમેશાં ગૌરવ લેતા હશે એવી વાત કરી હતી. આસપાસના ગ્રામજનો, પેથાપર, કનકાવતી, મોથાળા વગેરેથી આવેલા મહેમાનોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શહીદીને નમન કરી રાષ્ટ્ર માટે સેવા કરતા સુરક્ષા જવાનો થકી આપણે નિરાંતે રાત્રે ઊંઘ કરી શકીએ છીએ એમ જણાવ્યું હતું. પૂર્ણ કદની મૂર્તિના નિર્માણ સાથે દેશભક્તિના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અગ્રણીઓ તા.પં. કારોબારી ચેરમેન મહેશોજી સોઢા, તા.પં. સભ્યો હકૂમતસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય કિશોરસિંહ જાડેજા, નલિયા વેપારી એસો.ના પ્રમુખ હકૂમતસિંહ જાડેજા, મોથાળા ગ્રામીણ બેંકના અધિકારી ચંદ્રકાંત જોષી, જગદીશ ઠક્કર, પ્રવીણસિંહ સોઢા વગેરે હાજર રહ્યા હતા. માજી સૈનિકો વગેરેએ પણ હાજરી આપતાં શહીદ સ્મારક સમિતિના હોદ્દેદારોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer