સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની તાલીમમાં અંજાર સુધરાઈને મળેલો એવોર્ડ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની તાલીમમાં અંજાર સુધરાઈને મળેલો એવોર્ડ
અંજાર, તા. 13 : સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ 100 ટકા નિકાલ કરવા અને વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરવા માટે ગોવાના પણજી ખાતે યોજાયેલા સેમિનારમાં અંજાર સુધરાઈના અધ્યક્ષા પુષ્પાબેન ટાંક, જયશ્રીબેન મહેતા, હંસાબેન ઠક્કર, લીલાવંતીબેન પ્રજાપતિ, કંચનબેન સોરઠિયા અંજાર સુધરાઈના પ્રતિનિધિમંડળ તરીકે ઉપસ્થિત રહી વેસ્ટ મેનેજમેન્ટમાં ઉપયોગી સૂચન કરી એવોર્ડ મેળવ્યો હતો. આ અંગેની માહિતી આપતાં સુધરાઈના નગરસેવિકા મહિલા અગ્રણી જયશ્રીબેન મહેતાએ જણાવ્યું હતું કે, ટ્રેનિંગ કાર્યક્રમમાં કચરામાંથી ખાતર વગેરેની કામગીરી લોકભાગીદારીથી પણ કરી શકાય છે. સેમિનારમાં ગોવામાં વર્ષોથી સફાઈ બાબતે કામગીરી કરી રહેલા દીપાલીબેન નાયકે જણાવ્યું હતું કે, મ્યુ. કમિશનર તરીકે કામગીરી શરૂ કરેલી ત્યારે ગોવામાં આવતા પ્રવાસીઓને નાક પર રૂમાલ રાખીને પસાર થવું પડતું હતું પરંતુ ત્યારબાદ સફાઈ અભિયાન હેઠળ આજે ગોવામાં ચારે તરફ સફાઈ જોવા મળે છે. જો શહેરની સુધરાઈના હોદ્દેદારો, પ્રતિનિધિઓ અને સ્ટાફ લગનથી કામગીરી કરે તો દરેક શહેરની સફાઈની સમસ્યા દૂર થાય અને સોલિડ વેસ્ટનો ઝડપથી નિકાલ થઈ શકે. 5 રાજ્યમાંથી 100થી વધુ સુધરાઈ-સંસ્થાઓ રજિસ્ટ્રેશન કરાવી ઉપસ્થિત રહી હતી. ગુજરાતમાં અંજાર, ભરૂચ, નવસારી, બેંગ્લોર, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રની સુધરાઈના અધિકારીઓ, ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. હરીફાઈમાં પ્રથમ નંબર બેંગ્લોર, બીજા ક્રમે ભરૂચ તેમજ ત્રીજા ક્રમે અંજાર સુધરાઈને એવોર્ડ અપાયો હતો. અંજાર સુધરાઈ દ્વારા પણ આ સોલિડ વેસ્ટનો યોગ્ય ઉપયોગ કરી શહેરને ગ્રીન, સુંદર, સ્વચ્છ બનાવવા માટે આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવાની માહિતી પ્રમુખ પુષ્પાબેને આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer