ડુમરાથી લઠેડી માર્ગે શોભાયાત્રાએ આકર્ષણ સર્જ્યું

ડુમરાથી લઠેડી માર્ગે શોભાયાત્રાએ આકર્ષણ સર્જ્યું
ડુમરા (તા. અબડાસા), તા. 13 : તાલુકાનાં ડુમરા ગામ પાસે આવેલા પ્રાચીન શિવાલય આનંદેશ્વર મહાદેવ મંદિરના 11મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં આસપાસના વીસેક ગામોનાં ભાવિકો ઊમટયા હતા. કનકાવતી નદીમાંથી કાવડયાત્રામાં 51 શિવભક્તો જોડાયા હતા. ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ ડુમરાના મુખ્ય યજમાનપદે યોજાયેલા પાટોત્સવ દરમ્યાન મંદિરના મહંત પ્રેમગિરિ બાપુએ આશીર્વચન આપ્યા હતા. હોમાત્મક મહા લઘુરુદ્ર યજ્ઞ ભરતભાઇ શાત્રીના મુખ્ય આચાર્યપદે 11 ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિર સંકુલ ગાજી ઊઠયું હતું. નવપરિણીત યુગલ નીરવ અને અંજલિનાં હસ્તે યજ્ઞની વિધિ સાથે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. આનંદેશ્વર વિજય તેતરામ મંદિરને 51000 જેટલા ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આસપાસના ગામોનાં ભાવિકોની ડુમરાથી લઠેડી રોડ પર આવેલા મંદિર સુધી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. મહાપ્રસાદનો હજારો લોકોએ લાભ લીધો હતો. ભીમનાથ મહાદેવ ભજન મંડળી દ્વારા સંતવાણી યોજાઈ હતી. ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટના પ્રમુખ જેન્તીભાઇ ઠક્કરે પાટોત્સવનું આયોજન સંભાળ્યું હતું. ડુમરા વિસ્તાર વિકાસ સમિતિના પ્રમુખ ચેતન ગોર, નયન ડુડિયા, પ્રફુલ્લભાઇ પરમાર, મહેશભાઇ ઠક્કર (મોથાળા), અરવિંદભાઇ ઠક્કર, લાલજી ગજુજી રાઠોડ, સરપંચ રાજેશ્રીબેન ગઢવી, જિજ્ઞેશ અનમ, જીતુભાઇ બાવાજી, વિશાલ ડુડિયા, હરપાલસિંહ જાડેજા, જયદેવસિંહ (નારાણપર), દેવરાજભાઇ ગઢવી, શામળાભાઇ ગઢવી, ઉપરાંત લઘુમતી સમુદાયના જાફરભાઇ સુરંગી, અદ્રેમાન ખલીફા, અલીભાઇ કુંભાર, મજીદ સુમરા, હરેશ આઇયા, સતીશ ઠક્કર, તારાચંદ ઠક્કર, મામલતદાર વી.ડી. પૂજારા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.  મંદિરને અડીને આવેલા આશાપુરા મંદિરનો પણ સાથે જ પાટોત્સવ યોજાયો હતો. આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer