માંડવી તાલુકાનું ફરાદી ભીડભંજન મહાદેવના ભક્તિરસમાં રંગાયું

માંડવી તાલુકાનું ફરાદી ભીડભંજન મહાદેવના ભક્તિરસમાં રંગાયું
ફરાદી (તા.માંડવી), તા.13 : તાલુકાનું આ ગામ ભીડભંજન મહાદેવની ભક્તિરસમાં રંગાયું હતું.  ફરાદી ગામે દેવાધિદેવના મહાપર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. વતનપ્રેમી કારા જ્વેલર્સ દુબઈ પરિવારના મુખ્ય યોગદાનથી ઈ.સ. 2015માં રાજસ્થાન પહાડના બંસી પથ્થરથી નિર્માણાધિન કલાત્મક શિખરબદ્ધ  ભીડભંજન મહાદેવ મંદિરે મંગળા આરતી, પૂજા-અર્ચન બાદ સુશોભિત રથમાં ભગવાન ભોળાનાથની મૂર્તિને બિરાજમાન કરીને સંગીતની મધુર સુરાવલિ અને હરહર મહાદેવના નાદ સાથે રવાડી સ્વરૂપે ગામ યાત્રા યોજાઈ હતી. આ અવસરે સમસ્ત ગ્રામજનો સાથે શિવભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઉત્સવના દાતા માતા મંજુલાબેન મણિશંકર પેથાણી, હ.કમલેશભાઈ, કિરણભાઈ અને અનિલભાઈ સહિત પરિવારજનોની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવાઈ હતી. મહાશિવરાત્રિના રાત્રે ચાર પ્રહરની પૂજા સાથે મંદિર પરિસરમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરના સંગાથે લોક ડાયરો યોજાયો હતો. બહોળી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાજનોની સાથે વિવિધ ક્ષેત્રે મહાનુભાવોએ ડાયરાને માણ્યો હતો. વખતો વખત કારા જ્વેલર્સ પરિવાર દ્વારા વતન પ્રત્યેની લાગણીના ઓવરણાં લેવાયાં હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer