માંડવીમાં છાત્રોને શૈક્ષણિક કિટના વિતરણ સાથે પુણ્યતિથિની ઉજવણી

માંડવીમાં છાત્રોને શૈક્ષણિક કિટના  વિતરણ સાથે પુણ્યતિથિની ઉજવણી
માંડવી, તા. 13 : માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્રની ચોથી પુણ્યતિથિની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને માંડવીના દાતણિયા પરિવારે પ્રેરણાદાયી પગલું ભર્યું હતું. જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની જૈન નૂતન પ્રા. શાળા નં. 3માં પહેલા ધોરણમાં અભ્યાસ કરતા દાતણિયા કિશન પૂનમભાઇનું આજથી ચાર વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ શાળાના આચાર્ય પુનિતભાઇ વાસાણીએ કિશનના પિતાને ગુજરાત સરકારની વિદ્યાદીપ યોજનાનો લાભ અપાવતાં સરકાર તરફથી કિશનના પિતા પૂનમભાઇ મોહનભાઇ દાતણિયાને રૂપિયા 50,000 મળ્યા હતા. માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઇ દોશી અને જૈન નૂતન પ્રા. શાળા નં. 3ના પૂર્વ આચાર્ય દિનેશભાઇ શાહની પ્રેરણાથી આ દાતણિયા પરિવારે સરકાર તરફથી મળેલા રૂપિયા 50,000 બેંકમાં રાખ્યા અને એના વ્યાજમાંથી દર વર્ષે જૈન નૂતન પ્રા. શાળા નં. 3ના ધો. 1 અને 2ના વિદ્યાર્થીઓને 5100ની શૈક્ષણિક કિટનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં જૈન નૂતન પ્રા. શાળા નં. 3માં જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ યોગેશભાઇ ત્રિવેદીના પ્રમુખપદે યોજાયેલા એક કાર્યક્રમમાં શાળાના ધોરણ 1 અને 2ના 100 બાળકોને પુત્રની સ્મૃતિમાં દાતણિયા પૂનમભાઇ મોહનભાઇના હસ્તે 6 શૈક્ષણિક ઉપકરણોની બનેલી શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વ. કિશનના દાદા મોહનભાઇ, ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઇ દોશી, શાળાના પૂર્વ આચાર્ય માવજીભાઇ ચૌહાણ અને દિનેશભાઇ શાહ, એસ.એમ.સી.ના પ્રમુખ હર્ષાબેન ચાવડા, શાળાના આચાર્ય પુનિતભાઇ વાસાણી, મનુભા જાડેજા, ડો. ધીરજભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer