જખૌ કોસ્ટગાર્ડે 7 પાક માછીમારને ઝડપ્યા

નલિયા, તા. 13 : ભારતીય જળસીમામાં ઘૂસી માછીમારી કરતી બોટના સાત માછીમારોને તટરક્ષક દળ (કોસ્ટગાર્ડ)એ પકડી લેતાં જખૌ કાંઠે લાવવામાં આવી રહ્યા છે. કોસ્ટગાર્ડના સત્તાવાર વર્તુળોના જણાવ્યાનુસાર આજે બપોરે 11.55 વાગ્યે કોસ્ટગાર્ડનું જહાજ (વેસલ્સ) પેટ્રોલિંગ દરમ્યાન પરત ફરી રહ્યું હતું ત્યારે આંતરરાષ્ટ્રીય જળસીમાની હદ વટાવી ભારતીય જળસીમામાં ઘૂસેલી પાકિસ્તાની `અલ હીલાલ' નામની બોટ નજરે પડતાં 7 માછીમારો સાથે કોસ્ટગાર્ડે પકડી લીધા હતા. પકડાયેલા માછીમારો તમામ પાકિસ્તાનના છે, જેમાં એક સગીર વયના માછીમારનો સમાવેશ થાય છે.પકડાયેલા માછીમારોમાં મુસ્તાક (ઉ. વ. 30), અબ્દુલ અમીન (ઉ. વ. 27), ફહાદખાન (ઉ. વ. 23), રોશનઅલી (ઉ. વ. 37), સૈયદ હુશૈન (ઉ. વ. 24), નોમાન (ઉ. વ. 18) તેમજ 17 વર્ષીય એક સગીર વયનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા તમામ માછીમારોને કોસ્ટગાર્ડ દ્વારા જખૌ કાંઠે લાવવામાં આવી રહ્યા છે જે રાત્રે નવેક વાગ્યે જખૌ કાંઠે પહોંચશે. પ્રારંભિક પૂછપરછ કરાયા પછી મરીન પોલીસને સોંપી અપાશે. દરમ્યાન કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઇ પેટ્રોલિંગ સઘન બનાવાયું?છે. 24 કલાક સમુદ્રી પેટ્રોલિંગ ચાલુ રખાયું છે. જરૂર પડે ત્યારે એરક્રાફટ દ્વારા પણ નજર રખાઇ રહી છે.ભારતીય જળસીમામાં વખતોવખત પાકિસ્તાની માછીમારો ઘૂસી આવીનિર્ભયતાથી માછીમારી કરતા હોઇ આવા માછીમારોને કોસ્ટગાર્ડ દ્વારા પકડી લેવાય છે. માછીમારીના નામે કોઇ ઘૂસણખોર દરિયાઇ માર્ગે ભારતમાં ઘૂસી  ન આવે તે માટે કોસ્ટગાર્ડ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ શરૂ કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer