સામખિયાળીમાં થાંભલા પરથી પટકાતાં વીજ કર્મચારીનું મોત

ગાંધીધામ, તા. 13 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં વીજ થાંભલા પરથી નીચે પટકાતાં વીજ કર્મચારી એવા સંદીપ ભચુ ગામિત (ઉ.વ. 36) નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ, ગાંધીધામના પડાણામાં બબીબેન રમેશ મરંડ (ઉ.વ. 37) નામનાં મહિલાએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સામખિયાળી અને લાકડિયા વચ્ચે પુલ નજીક ગઇકાલે સાંજે અપમૃત્યુનો બનાવ બન્યો હતો. વીજ કર્મચારી એવો સંદીપ ગામિત નામનો યુવાન થાંભલા પર ચડીને કામ કરી રહ્યો હતો. દરમ્યાન, અકસ્માતે આ યુવાન નીચે પટકાતાં તેને માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ યુવાનને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે  તેને મૃત જાહેર કર્યો હતો. ખરેખર આ યુવાન નીચે કેવી રીતે પટકાયો તેની આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે. બીજી બાજુ, પડાણામાં આજે બપોરે અપમૃત્યુનો બનાવ બન્યો હતો. બબીબેનના પતિ બહાર હતા, સંતાનો પણ બહાર હતાં. દરમ્યાન, આ મહિલાએ અંદરથી રૂમ બંધ?કરી પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના પતિ બપોરે જમવા આવતાં દરવાજો અંદરથી બંધ હતો, પરિણામે નળિયાં ખસેડીને તપાસ કરતાં આ મહિલા લટકતી હાલતમાં મળી આવ્યાં હતાં. આ પરિણીતા છેલ્લા 5-6 દિવસથી કોઇ ચિંતામાં હતાં તેવું તપાસકર્તા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું, પરંતુ સાચું કારણ હજુ બહાર આવ્યું નથી, જેની તપાસ પોલીસે હાથ ધરી છે 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer