માંડવી એસ.ટી. ડેપો દ્વારા મિની બસોનું યોગ્ય સંચાલન થતું નથી

ભુજ, તા. 13 : માંડવી એસ.ટી. ડેપો દ્વારા ચલાવાતી મિની બસોમાં મર્યાદિત સ્ટોપને બદલે ખાનગી બસોની જેમ સ્ટોપ આપી દેવાતા હોવાની ફરિયાદ ઊઠી છે. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, મિની બસો આમ તો ખૂબ જ ઉપયોગી નીવડી છે. કારણ કે મર્યાદિત સ્ટોપ હોવાના કારણે પ્રવાસીઓને અવર-જવર     કરવામાં સરળતા રહે છે. પરંતુ માંડવી ડેપો દ્વારા ખાનગી બસોની હરીફાઈમાં દોડાવવામાં આવે છે. છેલ્લા ચાર દિવસથી આ મિની બસો લોકલની જેમ ગમે ત્યાં થોભતી હોવાથી પ્રવાસીઓમાં કચવાટ ફેલાયો છે. કારણ કે જે સીધા ભુજ-માંડવી વચ્ચે અપડાઉન કરે છે તેઓનો હેતુ બર આવતો નથી. બીજીતરફ માંડવી-નલિયા-માતાનામઢ રૂટ ચાલુ કરવા માટે બસ ફાળવાઈ હોવા છતાં આ રૂટ પર બસ ચાલુ થતી નથી. મિની બસોમાં માંડવી ડેપો દ્વારા યોગ્ય રીતે અમલ થતો નથી તેવી ફરિયાદ આવતાં વિભાગીય નિયામકનું ધ્યાન દોરવામાં આવતું હતું. વિભાગીય નિયામક ભૂપેન્દ્ર ચારોલા કહે છે કે આ મિની બસો લોકલની જેમ જ ચલાવવાનો નિયમ છે અને ભાડું પણ લોકલ પ્રમાણે લેવામાં આવે છે. ક્યાંક ઓછા સ્ટોપ પર ચલાવવામાં આવે છે. બીજા નવા વાહનો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી નવા રૂટ ચાલુ કરવા મુશ્કેલ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer