સિંચાઈ માટે નર્મદાના પાણી નહીં મળે તો આંદોલનની ચીમકી

ભચાઉ, તા. 13 : કચ્છ નર્મદાની શાખા નહેર આધારિત  રવી પાકોના કરવામાં આવેલ વાવેતરને બચાવવા પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડાવવા દરમ્યાનગીરી કરવા કિસાન સંઘે માંગ કરી છે. ભચાઉ કિસાન સંઘના પ્રમુખ માતા ભચા ગણેશાએ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં કચ્છ શાખા નહેરમાં વહેતા નર્મદાના નીર નિરંતર મળતા રહેશે તેવા વિશ્વાસમાં 34 ગામોમાં આશરે 32000 હેકટર જમીનમાં રવી પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું પણ છેલ્લા ઘણા સમયથી નર્મદાના નીર પાકો માટે પૂરતા પ્રમાણમાં જરૂરિયાત મુજબ પાણી મળતાં ન હોતાં તેથી સંબંધિત કાર્યપાલક ઈજનેર, કચ્છ શાખા નહેર વિભાગ નં. 2/4 ભચાઉ?કચેરીને  આવેદનપત્ર આપી પાક બચાવવા માટે કચ્છ બ્રાન્ચ કેનાલ પર પંમ્પિંગ સ્ટેશન નં. 2ની મોટરો રવી સિઝન પૂરી થાય ત્યાં સુધી નિરંતર 24 કલાક ચાલુ રહે તેટલો જથ્થો કચ્છને તાત્કાલિક ફાળવણી કરવામાં આવે. જો જથ્થાની ફાળવણી કરવામાં નહીં આવે તો સંગઠન દ્વારા ખેડૂતોને મહામૂલા પાકના રક્ષણ કરવા માટે નાછુટકે ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી પણ આપી હતી. આવેદનપત્રને ધ્યાનમાં લઈને નર્મદા નિગમે શરૂઆતમાં 3 દિવસ માટે મઢુત્રાથી ભચાઉ સુધી કેનાલ ભરવા પ્રતિદિન  750 ક્યુસેક અને બાકીના દિવસો માટે પ્રતિદિન 600 ક્યુસેક પાણીની માગણી નર્મદા નિગમ લેવલે કરી છે. ભચાઉથી ટપ્પર ડેમ સુધીમાં પણ પાંચ ગામોમાં પણ રવી પાકોનું વાવેતર કર્યું છે. તો તે પ્રમાણે જરૂરી પાણીનો જથ્થો સત્વરે છોડાવવા દરમ્યાનગીરી કરવા  સમગ્ર ખેડૂતો વતી માંગ કરી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer