સુમરાસર (શેખ)માં રાશનકાર્ડ ધારકોને માલ ન મળવાની રાવ

ભુજ, તા. 13 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી આદમભાઇ ચાકીએ સુમરાસર (શેખ) ગામની મુલાકાત લઇ ગામના આગેવાનો તથા લોકોને મળીને ત્યાંના સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા. આ વિસ્તારના મુખ્ય પ્રશ્નોમાં અને હાલમાં સમગ્ર કચ્છમાં ચર્ચિત બનેલા સસ્તા અનાજ કૌભાંડ બાબતે ગામલોકોએ ફરિયાદ કરી જણાવ્યું હતું કે, ગામમાં બે-બે સસ્તા અનાજની દુકાનો આવેલી છે, તેમ છતાં પૂરતો માલ મળતો નથી. દુકાનો સરકારના ધારાધોરણ મુજબ ચલાવવામાં આવતી નથી, પરંતુ દુકાનધારકો પોતાના ઘરના બનાવેલા નિયમો મુજબ અને મન ફાવે તે મુજબ દુકાનો ચલાવે છે. મહિનામાં બે જ દિવસ માટે દુકાન ખોલવામાં આવે છે અને તેમાં જેમને માલ લેવો હોય તે લઇ જાય,  ઉપરાંત બોગસ બી.પી.એલ. કાર્ડ ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ગામમાં છે. આ બાબતે ગામલોકોએ વહીવટીતંત્ર અને સરકારમાં રજૂઆત કરવા માગણી કરી હતી. બીજો મુદ્દો આરોગ્ય બાબતનો છે, જેમાં અગાઉ આ ગામને ઢોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાગુ પડતું તે હવે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બની જતાં આ વિસ્તારને ભીરંડિયારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવાતાં મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, કુટુંબ કલ્યાણ, રસીકરણ અને માતૃબાળ કલ્યાણ વિગેરે માટે 40 કિ.મી. દૂર જવું પડે છે એમ જણાવાયું હતું. આસપાસમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત થતાં શ્રી ચાકીએ તેમના વતી રજૂઆત કરવા બાંહેધરી આપી હતી, ઉપરાંતત્રીજા મુદ્દામાં ગામમાં રસ્તાઓ માટે પણ રજૂઆત આવતાં આ બાબતે પણ ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. મુલાકાતમાં તાલુકા પંચાયતના સભ્ય અનવરભાઇ શેખ, હાજી ગની નોતિયાર તેમજ ગામના સ્થાનિક આગેવાનો સાથે રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer