ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં જુગાર- ધામ પર દરોડો : 3 મહિલા ઝડપાઇ

ગાંધીધામ, તા. 12 : શહેરના પોશ વિસ્તારમાં મકાનમાં ધમધમતી જુગાર કલબ ઉપર સ્થાનિક પોલીસે મોડીસાંજે દરોડો પાડી ત્રણ મહિલાઓને ઝડપી પાડી હતી તેમજ જુગારમાં અનેક વખત ઝડપાયેલી એક મહિલા અને એક પુરુષ પોલીસને હાથતાળી આપી નાસી છૂટયા હતા. આ બનાવમાં એક મહિલા આરોપી રાજકીય અગ્રણીના સંબંધી હોવાથી આ દરોડાની વિગતો આપવામાં પોલીસ ઢાંકપિછોડો કર્યો હતો, તો રાપર તાલુકાનાં કીડિયાનગરમાં જુગાર રમતા 10 શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ એ-ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે શહેરના ગુરુકુળ વિસ્તારમાં સિન્ધુવર્ષા ફાઉન્ડેશનમાં આવેલા મકાનમાં સાંજે 5.45 વાગ્યાના અરસામાં દરોડો પાડયો હતો. તીનપત્તી વડે હારજીતનો જુગાર રમતી મહિલાઓ જયશ્રીબેન દિલીપ ધાલાણી, નલિનીબેન અશોકકુમાર, માકબાઇ કરશન ગઢવીને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે જાન્વીબેન ઉર્ફે ગુડ્ડી અને રજાક અગરિયા નાસી છૂટયા હતા. એ-ડિવિઝનની મહિલા પી.એસ.આઇ. એચ.વી. ધેડાએ આ અંગે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. પડમાંના રૂા. 24,100 કબ્જે કરાયા હતા. બીજી બાજુ રાપર તાલુકાનાં કીડિયાનગર વિસ્તારમાં આડેસર પોલીસે સાંજના અરસામાં પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. દલિતવાસ ચોકમાં આરોપીઓ પાચા વેલા ભરવાડ, પ્રવીણ દિલીપ પરમાર, દેવા પેથા પરમાર, અખા ભીખા મકવાણા, લગધીર વણવીર પરમાર, બબા ચમરા ચાવડા, બબા વણવીર બીડિયા, હોથી કાના વાલ્મીકિ, શામજી લવજી વાલ્મીકિ અને જોગા રૂપા રબારી તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પડમાંથી રૂા. 16,800 રોકડા, 10,500ની કિંમતના 9 નંગ મોબાઇલ સહિત 27,300નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer