પાકિસ્તાની શખ્સ કચ્છના સરહદી વિસ્તારમાં બે દિવસ રોકાઇ ગયો !

ભુજ, તા. 12 : નાપાક દેશ વિરોધી પ્રવૃત્તિ માટે એક સમયે પંકાયેલા કચ્છની રણસીમાના વિસ્તારોમાં ફરી એક વખત સળવળાટ શરૂ થઇ રહ્યો હોવાના ચોંકાવનારા અહેવાલ સાંપડી રહ્યા છે.  છેલ્લા ઘણા સમયથી શાંત રહેલા પચ્છમ વિસ્તારનાં કુખ્યાત ગામો પાકિસ્તાની પરોણાની મુલાકાતથી આવનારા દિવસોમાં ફરી ધમધમતા થાય એ માટેની પ્રાથમિક તૈયારીઓ ચાલી રહી હોવાના આ અહેવાલોએ સલામતીતંત્રો અને તેમાં પણ ખાસ કરીને ગુપ્તચર એજન્સીઓના નેટવર્કની સામે સીધો પડકાર ઊભો કર્યો હોવાનું જાણવા મળી રહ્યંy છે. સંબંધિત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં પાસપોર્ટ પર કાયદેસર રીતે ભારત આવેલા આ પાકિસ્તાની મહેમાને જે રીતે પ્રતિબંધિત પચ્છમ વિસ્તારમાં ગેરકાયદે અને ગુપ્ત મુલાકાત લીધી તેનાથી આવનારા દિવસો માટે કોઇ મોટી તૈયારી થઇ રહી હોવાના એંધાણ મળી રહ્યાં છે. સામાન્ય રીતે પાકિસ્તાનથી પાસપોર્ટ પર ભારત આવતા મુલાકાતીઓને વિઝાનાં ભારે નિયંત્રણો પાળવાના હોય છે.  ખાસ તો સરહદી કચ્છમાં તો તેમને પ્રવેશબંધીની આકરી શરતો પણ હોય છે,  પરંતુ થોડા સમય અગાઉ રાજસ્થાનના ચૌટન વિસ્તારમાં મુલાકાતની મંજૂરી સાથેના વિઝા પર ભારત આવેલા આ પાકિસ્તાની આધેડે જે રીતે છેક કચ્છ રણ સરહદની કાંધી પરનાં ગામોની અને પોતાના પરિવારજનોની મુલાકાત લીધી તે બાબત ભારે રસપ્રદ અને ચિંતાપ્રદ હોવાનું વર્તુળો કહે છે. ખાનગી વાહન દ્વારા કચ્છ અને તે પછી ખાવડા માર્ગે તૈનાત ચોકીઓને ટાળો દઇને રણ રસ્તેથી છકડા વાટે પચ્છમનો આ પ્રવાસ કરાયો તેનાથી શંકા જાગી હતી,  પરંતુ પરિવારજનોની સાથોસાથ જે રીતે અગાઉના કુખ્યાત અને દેશ વિરોધી હિસ્ટ્રીશિટરોની સાથે બેઠકોનો દોર યોજાયો તેનાથી આ શંકા વધુ ને વધુ મજબૂત અને ગંભીરરૂપ ધારણ કરી ચૂકી હોવાનું આ વર્તુળો કહે છે. સામાન્ય રીતે પચ્છમ વિસ્તારમાં કોઇ બહારી કે શંકાસ્પદ ઇસમની હાજરીમાત્ર પર સતત સર્તક રહેતી ગુપ્તચર એજન્સીઓની નજરમાં આ ઇસમ ન ચડયો હોવાનું કહેતાં આ વર્તુળો કહે છે કે, પોતાના મૂળ પચ્છમના બે જણને-પરણાવાયેલી બે પુત્રીઓને મળવા રાજસ્થાન આવ્યાની સાથોસાથ આ પાકિસ્તાનીએ કચ્છમાં જે કારસો રચવાની પેરવી કરી તે જાણ બહાર રહી ગઇ હોવાની બાબતથી એજન્સીઓ ઊંઘતી ઝડપાઇ છે. હાલે કચ્છની રણ સરહદે કાંટાળી વાડ લાગ્યા બાદ સરહદ પારની અવરજવર નહિવત્ બની ગઇ છે તેવા સમયે પાસપોર્ટ વાટે કાયદેસર રીતે ભારત આવીને ગેરકાયદેસર રીતે પચ્છમ સુધી આવેલા ઇસમ અને તેમને મળનારા સ્થાનિકના કુખ્યાતોની તલસ્પર્શી તપાસ હાથ ધરાય તે દેશના હિતમાં રહેશે એમ જાણકારો સ્પષ્ટ રીતે માને છે. એક તરફ કાશ્મીર સીમાએ નાપાક આતંકવાદી હુમલા વધી રહ્યા છે ત્યારે દેશના પશ્ચિમ સરહદે પણ નાપાક ગતિવિધિની આ પેરવી નથી ને-એની તપાસ અને સતર્કતા જરૂરી બને છે એમ વર્તુળો જણાવે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer