ગાંધીધામમાં મેરેથોન, શોભાયાત્રા સાથે સ્થાપના દિન ઉજવાયો

ગાંધીધામમાં મેરેથોન, શોભાયાત્રા સાથે સ્થાપના દિન ઉજવાયો
ગાંધીધામ, તા. 12 : આઝાદી બાદ અસ્તિત્વમાં આવેલા ગાંધીધામ સંકુલના 70મા સ્થાપનાદિન ગાંધીધામ ડેની નગરપાલિકા દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વિવિધ કાર્યક્રમો યોજી ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્થાપનાદિનની ઉજવણીના આરંભે વહેલી સવારે ગાંધીધામથી આદિપુર સુધીની મિની મેરેથોન દોડ યોજાઇ હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઇ પ્રમુખ ગીતાબેન ગણાત્રાના હસ્તે સવારે 7 વાગ્યે મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતેથી મેરેથોન દોડને સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો. શાળાના બાળકો, વરિષ્ઠ નાગરિકોએ વહેલી સવારે ઉત્સાહ સાથે દોડ લગાવી હતી. ભાગ લેનારા તમામ લોકોએ આદિપુર ભાઇ પ્રતાપ સમાધિ સુધી મેરેથોન દોડ પૂરી કરી હતી. મેરેથોન દોડમાં પુરુષોના વિભાગમાં રવિ ભગત (મૈત્રી વિદ્યાલય) પ્રથમ, વિરમ મૂળજી ગઢવી દ્વિતીય, નરેન્દ્ર ભગોરા ત્રીજા ક્રમે, જ્યારે નારણ ગઢવી ચોથા ક્રમે વિજેતા બન્યા હતા. બહેનોના વિભાગમાં જ્યોતિ પૂજારીએ પ્રથમ, સમિત્રા ચોલેએ દ્વિતીય, દામા હેતલે તૃતીય, જ્યારે મીનાક્ષી ભાનુશાલીએ ચોથો ક્રમ મેળવ્યો હતો. વરિષ્ઠ નાગરિકોમા કિશન ચૌધરી પ્રથમ, હેમરાજ બડિયા દ્વિતીય, જ્યારે લેડીઝ સિનિયર સિટીઝનમાં ઉષાબેન એ. ગોસ્વામી પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. વિજેતાઓને મહેમાનોના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. સાંજે ગાંધીજીની પ્રતિમાથી ઝંડા ચોક સુધી કાર્નિવલ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં શ્રી રામ કા લાડલા, ભોલે કે દિવાને, લક્ષ્ય સ્કૂલ (કિડાણા), ગૌરક્ષક સેવા સમિતિ (રાજભા ગઢવી), શારદા વિદ્યામંદિર, આનંદ માર્ગ સ્કૂલ, આદર્શ મહાવિદ્યાલય, ન્યૂ પ્રભાત ઇંગ્લિશ સ્કૂલ, જૂની સુંદરપુરી પ્રાથમિક શાળા, પોદાર જમ્બો સ્કૂલ, ગાયત્રી પરિવાર, બ્રહ્માકુમારી, બજરંગ ગ્રુપ, રેલવે કોલોની, ઇન્નરવ્હીલ કલબ, ઓમ વિદ્યાપીઠ, પ્રભાત પબ્લિક સ્કૂલ, અખિલ ભારતીય નવયુગ સંસ્થા, જમ્બો કિડ્સ સહિત 22 જેટલી ઝાંખીઓ રજૂ થઇ  હતી. 16 સંસ્કાર, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ, સેલ્ફી લેવાથી થતા અકસ્માત અટકાવવા જાગૃતિ દાખવવા સહિતની ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાદમાં સાંજે ઝંડા ચોક ખાતે સમૂહ નૃત્ય સ્પર્ધા યોજાઇ હતી. બાદમાં રાત્રે કેક કાપી આતશબાજી કરી ગાંધીધામના સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સ્થાપનાદિનના કાર્યક્રમમાં સુધરાઇના કેટલાક સભ્યોની ગેરહાજરી અંગે જાણકારોએ ખેદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સુધરાઇના ઉપપ્રમુખ કાનજીભાઇ ભર્યા, કારોબારી ચેરમેન તારાચંદ ચંદનાની, સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન પ્રિયા ગુરબાણી, મુખ્ય અધિકારી નીતિન બોડાત, જીડીએના પૂર્વ અધ્યક્ષ મધુકાંત શાહ, મોમાયાભા ગઢવી, દંડક વેલાભાઇ ભરવાડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer