ખોડલધામ અતિથિભવન માટે કચ્છ તરફથી એક કરોડ

ખોડલધામ અતિથિભવન માટે કચ્છ તરફથી એક કરોડ
વસંત પટેલ દ્વારા  કેરા (તા. ભુજ), તા. 12 : સમસ્ત લેઉવા પાટીદાર સમાજની માતબર સંસ્થા તરીકે ખોડલધામે વિશ્વભરમાં સંગઠન-સેવાનો ડંકો વગાડયો છે ત્યારે સંસ્થા દ્વારા સોમનાથ પાસે જૂનાગઢ-વેરાવળ હાઇવે ટચ સાર્વજનિક અતિથિભવન નિર્માણનું ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રસંગે 22.50 કરોડના દાન જાહેર થયા હતા તેમાં કચ્છના લેવા પટેલો તરીકે વાગડ અને ભુજ ચોવીસીએ એક કરોડના સહયોગ સાથે મજબૂત સાથ આપવા ભાવના દર્શાવી છે. 96 રૂમ, ચાર હોલ, સ્વિમિંગ પુલ, લગ્ન પ્રસંગ માટે પાર્ટી પ્લોટ, એક લાખ ચોરસ ફૂટ બાંધકામ ફાઇવસ્ટાર સમકક્ષ સુવિધા સાથેના સાર્વજનિક અતિથિભવનનું નિર્માણ સોમનાથ પાસે જૂનાગઢ માર્ગે આરંભાયું હતું. આ પ્રસંગે જ્ઞાતિના મોભી, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, કેબિનેટ મંત્રી આર. સી. ફળદુ, ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરા, પૂર્વ પ્રમુખ નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભવનના મુખ્ય દાતા તરીકે બે કરોડ રૂપિયા દાન આપનાર ઉદ્યોગપતિ તુલસી તંતી (સુઝલોન)ના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઇ હતી. 10 વીઘા ભૂમિ પર બંધાનાર આ ઉતારાને ખોડલધામ ભવન નામાભિધાન કરાયું હતું. અધ્યક્ષસ્થાનેથી બોલતાં કેશુબાપાએ કહ્યું, ખોડલધામની ટહેલ હોય પછી દાન આપવામાં વિચારવાનું હોય જ નહીં, ખોડલધામે ગુજરાતને જગાડયું છે. કોઇ ભૂખ્યો ન જાય એ લેવા પટેલના સંસ્કાર છે. જ્ઞાતિના ભાઇ આગળ વધે, તો આલોચનાઓથી દૂર રહી સારાં કાર્યોની જાહેરમાં પીઠ થાબડો તો ઉત્સાહ વધે છે. કેબિનેટ મંત્રી આર. સી. ફળદુએ યાદ અપાવ્યું કે, જ્ઞાતિમાં હજી બે ટંક ખાવાનાં સાંસા હોય તેવા અનેક ઘર છે. તેને શૈક્ષણિક મદદ કરવા સૂચન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સરદાર પટેલ આપણા પ્રેરણાસ્રોત હોવાનું કહ્યું હતું. દરેક વક્તાઓએ સંગઠન, સાર્વજનિક સેવા અને ખોડલધામને કેન્દ્રમાં રાખી વિચાર વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે બે કરોડ 51 લાખ 25 લાખના સંખ્યાબદ્ધ સહિત 11-11 લાખના 131 દાન મળી કુલ્લ 22.50 કરોડ ફંડ એક જ કલાકમાં જાહેર થયું હતું. સંસ્થાના પ્રમુખ પરેશ ગજેરાએ કચ્છમિત્રને વિગતો આપતાં બાંધકામનો ચિતાર આપ્યો હતો. જૂનાગઢ મંદિરના ભક્તિપ્રસાદ સ્વામી, માધવચરણ સ્વામી (સોમનાથ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યને બે વર્ષમાં પૂર્ણ કરવા સંકલ્પ લેવાયો હતો. 
વાગડ-ભુજના એક કરોડ  ખોડલધામના માધ્યમે સૌરાષ્ટ્રના બંધુઓ સાથે નાતો મજબૂત બનાવવા તરફ આગળ વધતાં વાગડના લેઉવા પાટીદારો પૈકી અખિલ ભારતીય લેઉવા પાટીદાર સમાજના મેનેજિંગ ટ્રસ્ટી કાનજીભાઇ કરમશી પટ્ટણીએ 25 લાખ, અંબાવીભાઇ ધરમશી વાવિયા 21 લાખ, ભચુભાઇ આરેઠિયા 11 લાખ, રામપર-કચ્છના હીરજીભાઇ કેરાઇ 11 લાખ, માંડવીના કાનજીભાઇ મૂરજી રાબડિયા, ધનજીભાઇ કરશન વરસાણી `દરબાર' (નારાણપર), કચ્છી લેવા પટેલ સમાજ એજ્યુ. મેડિ. ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, વાલજીભાઇ વાવિયા સહિતના દાતાઓએ એક-એક લાખ મળી કુલ્લ એકાદ કરોડ જેવી માતબર રકમ કચ્છે ખોડલધામના ચરણે ધરી હતી. આ પ્રસંગે ભુજ લેવા પટેલ યુવક સંઘ મંત્રી વસંત પટેલ, ઉપપ્રમુખ લાલજી વેકરિયા, અરજણ ભીખાલાલ પિંડોરિયા, દેવેન્દ્ર વાઘજિયાણી, રાજેશ પિંડોરિયા, રામજી હાલાઇ (સૂરજપર), નરેન્દ્ર વાઘજિયાણી, વીરજીભાઇ મોડ, હીરાભાઇ બાંભણિયા, નરસિંહભાઇ સરૈયા, હીરજીભાઇ કારોત્રા સહિતના ભુજ ચોવીસી અને વાગડના લેવા પટેલો સંસ્થાઓ વતી જોડાયા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer