માંડવીની સબ પોસ્ટ ઓફિસને તાળાં મારી દેવાયાં

માંડવીની સબ પોસ્ટ ઓફિસને તાળાં મારી દેવાયાં
દેવેન્દ્ર વ્યાસ દ્વારા  માંડવી, તા. 12 : દાયકાઓથી કોટ વિસ્તારમાં કાર્યરત સાંજીપડી સબ પોસ્ટ ઓફિસને તાળું મારીને `મુખ્ય ડાક ઘર'માં આજે ભેળવી દેવાથી ઉપભોક્તાઓમાં અજંપો, આક્રોશ ઊભો થયો છે. પાંચેક હજજાર ખાતેદારો નાના બચતકારો માટે શહેરના હાર્દ વિસ્તારમાં સુલભ ટપાલ કચેરી હવે અતીતના ગર્ભમાં સમાઇ જતાં વધુ એક વાર આ બંદરીય પંથકની `લીટી' ટૂંકી થવાની ઘડી આવી છે. છેલ્લા દાયકા દરમ્યાન હેડ ઓફિસ (એચ.ઓ)નો મોભો પ્રાપ્ત વડી કચેરીનો દરજ્જો હેઠો ઊતારીને `મુખ્ય ડાક ઘર'ના સ્તરે મૂકી દેવાયો હતો. એક વેળાએ આર્થિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સખાવતી, ધાર્મિક એમ તમામ પહેલુઓમાં ઉન્નત મસ્તકે જેનો દબદબો રહ્યો એવાં આ જાજરમાન શહેરનાં કોટ વિસ્તારમાં એચ.ઓ. સમેત ત્રણ ટપાલ કચેરીઓ ધમધમતી હતી. નવાપુરા વિસ્તારમાં મહિલા પોસ્ટ ઓફિસ હતી જેને અઢી દાયકાઓ અગાઉ આટોપીને તત્સમયની એચ.ઓ.માં ભેળવી દેવાઇ. ભીડ ગેઇટથી કાંઠા વિસ્તારને જોડતો માર્ગ હજુ પણ પોસ્ટ ઓફિસ રોડ તરીકે લોકજીભે છે. સદર એચ.ઓ.ને નવા સંકુલમાં ટાગોર રંગ ભવન સામે (નલિયા રોડ) ઉપર સ્થાનાંતરિત કરવામાં આવી. દરિયાઇ વેપાર વણજ, સ્ટીમરની યાતાયાત, વહાણવટાથી ધમધમતા આ શહેરને એરુ આભડી ગયો હોય તેમ `ગ્રહો' નડી રહ્યા હોવાનો બળાપો પ્રબુદ્ધ નાગરિકોએ કાઢયો હતો. ટપાલ વિભાગને સંબંધ છે ત્યાં લગી `હેડ પોસ્ટ ઓફિસ'નું સ્ટેટસ ભૂંસી નાખવામાં આવ્યું અને સર્કલ પોસ્ટ ઓફિસનું મથક ભુજને હવે એક માત્ર એચ.ઓ.નો ગ્રેડ નસીબ છે. ભુજની સમાંતરે રહેલી માંડવીની હેડ પોસ્ટ ઓફિસને `િડગ્રેડ' કરીને `મુખ્ય ડાક ઘર' સ્તરે મૂકી દેવાથી ઉપલાસ્તરના પ્રશ્નો, વહીવટી નિરાકરણ વગેરે જે ત્વરિત (સ્થાનિકે) લઇ શકાતું હતું એ પંદર-વીસ દિવસો સુધી ઓશિયાળું બન્યું છે. (જિલ્લામાં હવે એક માત્ર ભુજ ખાતે હેડ પોસ્ટ ઓફિસ કાર્યરત છે) વિકેન્દ્રીકરણ અને વિકાસની હવા હોય ત્યારે રેખાને લાંબી કરવાને બદલે ટૂંકી કેમ કરાતી હશે એવો અણિયાળો સવાલ સામે આવ્યો છે. સાંજીપડી પોસ્ટ ઓફિસને આજથી (12મી ફેબ્રુ.થી) મેઇન ટપાલ કચેરીમાં મર્જ કરવા સંબંધી જાહેર નોટિસ વાંચીને ઉપભોકતાઓ ચોંકી ગયા હતા. આ સંબંધે વધુ જાણકારી અર્થે મુખ્ય ટપાલ કચેરી (નલિયા રોડ)નો સંપર્ક કરવા જણાવાયું છે. એક સમયે સંદેશા વ્યવહાર (તાર-ટપાલ) નાણા વ્યવહાર માટે દેશમાં સૌથી મોટું નેટવર્ક, ઇજારો હતો એ તંત્ર બાબુશાહી વહીવટમાં ઘસાતું રહ્યું છે એને ટકાવી રાખવા ભગિની વિભાગોની સેવાઓ સામેલ કરવાની નોબત આવી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer