કચ્છમાં શિક્ષણની ત્રુટિઓ દૂર કરાશે

કચ્છમાં શિક્ષણની ત્રુટિઓ દૂર કરાશે
ભુજ, તા. 12 : ગત વિધાનસભા ચૂંટણી અગાઉથી ખાલી પડેલી જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યાએ નિમણૂક પામેલા અધિકારીએ કચ્છમાં શિક્ષણની ત્રુટિઓ દૂર કરવા અને શિક્ષકોને કનડતા પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. સોમવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કચ્છમિત્રને આપેલી મુલાકાતમાં તાલીમ લીધા બાદ આ સરહદી જિલ્લામાં સીધી ભરતીથી પ્રથમ નિમણૂક પામેલા મૂળ રાજકોટના રાકેશભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, કચ્છ પ્રેમાળ પ્રદેશ છે, અહીં આવ્યા બાદ પરત જતા લોકોને રડવું આવે છે. વહીવટી કક્ષાએ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ઉઘરાણા બાબતે પૂછાયેલા પ્રશ્ને તેમણે કહ્યું કે, આ બાબતે સંબંધિત વ્યક્તિની ફરિયાદ આવશે તો સંલગ્ન કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઉઘરાણા જેવી બાબતને જરાયે સાંખી નહીં લેવાય. કચ્છમાં લાંબા સમયથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં અંદાજે 400 શિક્ષકોની ઘટ અંગે તેમણે જણાવ્યું કે, પ્રથમ તો આવી જગ્યાઓ માટે કેમ માંગ નથી કરાઇ અને માંગ કરાઇ તો ફાળવણી કેમ નથી કરાઇ તે અંગે જાણકારી મેળવી આવી ઘટ પૂરવા પૂરતા પ્રયત્નો કરાશે. એકબાજુ શિક્ષકોની ઘટ જ્યારે બીજીબાજુ પ્રવાસી શિક્ષકોની આગામી 31 માર્ચે પૂરી થતી મુદ્દત અંગે તેમણે કહ્યું કે, આ પ્રશ્ન રાજ્યકક્ષાનો હોઇ સરકાર સકારાત્મક નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરી હતી. કચેરી કક્ષાએ શિક્ષકોમાં અસંતોષ મુદ્દે તેમણે કહ્યું કે, અંતરે રહી, અંતરથી કામ કરનારા શિક્ષકોના પ્રશ્નો સંવેદનપૂર્વક ઉકેલાશે. કચ્છના દુર્ગમ વિસ્તારોમાં ચેકિંગના અભાવે શિક્ષકોની બેદરકારીના કારણે કથળેલા શિક્ષણ અંગે શ્રી વ્યાસે જણાવ્યું કે, તેમના પુરોગામી ઇન્ચાર્જ શ્રી વાઘેલાએ નોંધપાત્ર કામગીરી કરી છે અને તેમાં સુધારો થયો છે અને હજુ પણ અવારનવાર મુલાકાતો લઇ ચેકિંગ કરાશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer