સંસારમાં રહીને પણ સાધુ થઈ શકાય !

સંસારમાં રહીને પણ સાધુ થઈ શકાય !
રાપર, તા. 12 : ઘણાં બધા લોકો વિશ્વશાંતિ અને સદ્ભાવનાના સંદેશ લઈને સ્કૂટર કે સાઈકલ લઈને કે પદયાત્રા કરતા જોવા મળે છે. આવા લોકોને ખૂબ પ્રસિદ્ધિ પણ મળતી હોય છે. પરંતુ આવા જ ઉદ્દેશ લઈને નીકળતા અસંખ્ય લોકો એવા પણ છે કે જેમને આવી કોઈ પ્રશંસા કે પ્રસિદ્ધિ નથી મળતા અને એની તેઓને જરૂર પણ નથી હોતી. આ તસવીરમાં દીવાલ પર સૂત્રો લખતાં એવા જ એક આપણાં ઘરના જ સેવાભાવી છે શૈલેશભાઈ ભટ્ટ. જિલ્લા પંચાયતમાં સેવા આપતા શૈલેશભાઈ ભટ્ટ વર્ષમાં પંદર દિવસ એવા કાઢે છે કે તે સમય દરમ્યાન કચ્છના કોઈપણ ગામ, નગર, શહેરમાં જઈ ઉમદા સેવાકાર્યો જેવા કે સૂત્રલેખન, વ્યસનમુક્તિની પ્રદર્શની, વ્યસનમુક્તિ ઉપર વ્યાખ્યાન, પ્રજ્ઞાપુરાણ જેવી પ્રવૃત્તિઓ કરે છે. શાંતિકુંજ હરિદ્વારમાં પ્રશિક્ષિત શૈલેશભાઈએ આ વખતે રાપરને પાંચ દિવસનો સમય ફાળવ્યો. શાળા-કોલેજો અને છાત્રાલયોમાં વ્યસનમુક્તિ વિશે બૌદ્ધિક આપ્યું. આજુબાજુના ભીમાસર, રવ વગેરે ગામોની શાળાઓને પણ લાભ આપ્યો. રાપરના બસ સ્ટેશનમાં સ્ટાફના સહયોગથી વ્યસનમુક્તિ પ્રદર્શની પણ લગાવી અને દરિયાસ્થાનમાં સત્સંગ પણ કરાવ્યો. સ્થાનિક પરિજનોએ સહયોગ આપ્યો હતો. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પારિવાજક જેવું જીવન જીવતા શૈલેશભાઈ પ્રેરણાત્મક ખરા કે નહીં ?  (હેવાલ-તસવીર : ઘનશ્યામ મજીઠિયા)

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer