પાવરપટ્ટીના પર્વતીય પ્રદેશમાં પથરાની બાબા

પાવરપટ્ટીના પર્વતીય પ્રદેશમાં પથરાની બાબા
બાબુ માતંગ દ્વારા  નિરોણા (તા. નખત્રાણા), તા. 11 : હિમાલયના બર્ફાચ્છાદિત ગુફામાં અલૌકિક રીતે સર્જાતા અમરનાથ શિવલિંગ બર્ફાની બાબા તરીકે પૂજાય છે જેનાં દર્શન ચોક્કસ સમય પૂરતાં જ હોઇ દેશમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભારે કઠિન માર્ગો પસાર કરી શિવઆરાધના કરી ધન્યતા અનુભવે છે. ત્યારે પાવરપટ્ટીના પહાડી પંથકમાં અસંખ્ય કુદરતી રીતે જળકૃત ખડકોમાંથી નિર્માણ પામેલા પારાવાર લિંગાકાર `પથરાની બાબા' બિરાજમાન છે. અજાણતાને કારણે આ દુર્ગમ પહાડી વિસ્તાર સુધી શિવભક્તો પહોંચી ન શકતાં બાબાનાં દર્શન દુર્લભ બન્યાં છે. પાવરપટ્ટીની દક્ષિણ-પશ્ચિમે લાંબી લાંબી હારમાળામાં પથરાયેલા પર્વતીય પંથકમાં અનેક ધાર્મિક અને રમણીય પ્રાકૃતિક સ્થળો મોજૂદ છે. નિરોણાથી નખત્રાણાના રાજમાર્ગે છ કિ.મી.ના અંતરે બિબ્બરની નદીના કિનારેથી દક્ષિણે એક ધૂળિયો રસ્તો દક્ષિણે ડુંગરો તરફ ફંટાય છે. ઊબડ-ખાબડ એવો ત્રણ કિ.મી.નો આ રસ્તો કપાય ત્યાં બિબ્બરના રવિભાણ આશ્રમના સંત ડુંગરશી ભગતની વીડીનાં દર્શન થાય. એ જ રસ્તો આગળ ધપી ગડુવા ભોપાનાં મંદિર સુધી જાય છે. આ બંને ધાર્મિક સ્થળો વચ્ચે અનેક છેલા (વોકળા) નીકળે છે, જે પૈકીનો એક છેલો પશ્ચિમના ડુંગરોમાંથી નીકળી પૂર્વે નિરોણાના ડેમમાં ઠલવાય છે. ડેમના મુખ આગળ આ છેલાની બંને બાજુએ આવેલા પથ્થરો સપાટ હોઇ તે `પાટ'વાળા છેલા તરીકે પણ ઓળખાય છે. પાટવાળા આ વોકળા વચ્ચે વરસોથી પડેલા તોતિંગ પથ્થરો ચોમાસામાં જોશભેર વહેતા પાણીના પ્રવાહને લઇ ધોવાતાં ધોવાતાં વિવિધ કદના લિંગાકારમાં ફેરવાયેલા નજરે ચડે છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ વોકળામાં પથરાયેલા શિવલિંગાકાર પથ્થરો પાટેંવારા શિવ તરીકે આ પંથકમાં જાણીતા છે. બિબ્બર રવિભાણ આશ્રમના મહંત જગજીવનદાસ ભગતના જણાવ્યા મુજબ પાટેંવારા શિવ નામનો વોકળો ડેમમાં સમાતો, ત્યાં એક ટેકરી આવેલી છે.  જેની નીચે નાની એવી ગુફામાં સ્વયંભૂ પાષાણના શિવલિંગ અને તેના પરના ખડકોમાંથી કુદરતી જળ ટપકી શિવલિંગ પર પડી કુદરતી રીતે કાયમી જલાભિષેક થતું, પરંતુ 1965માં ભુરૂડ નદી પર આડબંધ દ્વારા નિરોણા ડેમ બાંધવામાં આવતાં આ શિવ ગુફા ડૂબમાં આવી છે, એટલું જ નહીં ડેમનાં તળિયે દર વર્ષે વરસાદી પાણી સાથે તણાઇ આવતા કાંપ, રેતી અને અન્ય કચરાનો ભરાવો થતાં હાલ આ શિવ ગુફા સદંતર દટાઇ ચૂકી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer