મહાશિવરાત્રિના અહીં મોટો લોકમેળો ભરાતો

નિરોણા (તા. નખત્રાણા), તા. 11 : આ વિસ્તારના બુઝુર્ગ વડીલોના કહેવા પ્રમાણે મહાશિવરાત્રિના પાટવારા શિવ સ્થાનકે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવતું. રાજાશાહી વખતે પાવરપટ્ટીમાં ભાટિયા મહાજનની ભારે જાહોજલાલી હતી. નિરોણાના પેરાજ પૂંજા ભાટિયા અને ડુંગરશી હરિદાસ ભાટિયા તેમજ બિબ્બરના રતનશી ભાટિયા અને માધવજી માવજી ભાટિયા શેઠના હુલામણા નામથી સમગ્ર પંથકમાં પ્રખ્યાત હતા. પાવરપટ્ટી પંથકમાં ભાટિયા મહાજનની મોટી સખાવતો ચાલતી. ઠેકઠેકાણે પાણીની પરબ, વાવ, સેલોર, મુસાફરખાના, પુસ્તકાલયો, દવાખાના જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. બિબ્બરથી દક્ષિણે ભાણાસર રખાલમાં આવેલા પાટેંવારા શિવના સ્થાનક પર આ બંને ગામોના ભાટિયા મહાજન દ્વારા મહાશિવરાત્રિના ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવતું. નિરોણા અને બિબ્બરથી શેઠિયાઓ શણગારેલા રથો અને બળદગાડાંઓની હારમાળા સાથે આ પર્વતીય પ્રદેશમાં પહોંચતાં સાથે બિબ્બર આશ્રમના મહંત ખીમજી ભગત અને ખારડિયાથી મોકરશીં પરિવારના જાડેજા ભાયાતો પણ પધારતા. આ બંને ગામો ઉપરાંત મેડીસર, ભાણાસર, બાડી, ખારડિયા, વંગ, ડાડોર, ભીમસર, રતામિયાં, હીરાપર, વટાછડ સહિતના ગામોમાંથી ભાવિકો ઊમટતા.  જ્યાં સાંજે લાપસીના આંધણ ચડતાં રાત્રે ચાર પ્રહરની પૂજા થતી. ઢબુકતા ઢોલના નાદે કચ્છી રાસુડાની રમઝટ તો બીજી બાજુ સંતારના સૂરો વચ્ચે આરાધીવાણીથી સમગ્ર પહાડી પંથક ગાજી ઊઠતો. પરંતુ નિરોણા ડેમનો આડબંધ બન્યા પછી પાટવારો શિવ ડૂબમાં આવી જતાં છેલ્લા પાંચ-છ દાયકાઓથી અહીં મહાશિવરાત્રિના ભરાતા લોકમેળાની પરંપરા વિસરાઇ ચૂકી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer