આજે કચ્છ શિવભક્તિમાં લીન થશે

આજે કચ્છ શિવભક્તિમાં લીન થશે
ભુજ, તા. 12 : શિવ અને જીવના સાયુજ્યનું પર્વ `મહા શિવરાત્રિ' નિમિત્તે આવતીકાલે ભોળાનાથ ભગવાન શંકરની આરાધના માટે કચ્છમાં ભાવિકો સજ્જ બન્યા છે. આજે પૂર્વ સંધ્યાએ તેની તૈયારીરૂપે અનેક મથકોએ નાના-મોટા શિવલાયોમાં શણગાર શરૂ કરાયો હતો. પરિણામે તહેવારની રોનક વર્તાઇ હતી. આવતીકાલે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભુજમાં વિશાળ શોભાયાત્રા નીકળશે. મહાદેવનાકા પરિસર તેમજ શોભાયાત્રા રૂટ પર ભગવી ધ્વજાએ આકર્ષણ જમાવ્યું છે. સાંજે ધીંગેશ્વર નજીક મંચ પરથી ભાવિક મહિલાઓએ ભક્તિ સંગીત રજૂ કર્યું હતું.બીજી તરફ માંડવીમાં પણ રાબેતા મુજબ શિવજીની શોભાયાત્રા નીકળશે. મુખ્ય માર્ગો પર મોટા બેનરોએ રંગ જમાવ્યો છે. આજે નખત્રાણા, મુંદરા, નલિયા સહિતના મથકોએ બાઇક રેલી યોજાઇ હતી. દરમ્યાન આવતીકાલે દિવસથી યજ્ઞ, અભિષેક, સંતવાણી સહિતના રાતભર ચાલનારા ધાર્મિક કાર્યક્રમોથી કચ્છ ગાજી ઊઠશે. બીજી તરફ ધ્રંગ મેકણધામ પરિસર પાસે લોકમેળો યોજાશે, જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઊમટતા હોય છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer