સમસ્યા ઉકેલવા તંત્રને બદલે નગરજનોના ગળા પર તલવાર !!

સમસ્યા ઉકેલવા તંત્રને બદલે નગરજનોના ગળા પર તલવાર !!
ભુજ, તા. 12 : શહેરના આશાપુરા રિંગરોડ પર કાયદાના ધજાગરા ઉડાડતી ઘટનામાં દુકાન પાસે ગટરનાં પાણી ભરાવાની સમસ્યા ન ઉકેલાતાં અમુક દુકાનદારોએ અડધા માર્ગ પર બ્લોકથી દીવાલ ચણી નાખી તંત્રની ભૂલની સજા આમલોકોને આપી હતી. અડધો માર્ગ અવરોધાતાં વાહનચાલકો તથા રાહદારીઓને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડયો હતો અને પાડાના વાંકે... જેવો તાલ સર્જાયો છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર આશાપુરા રિંગરોડ પર પબુરાઇ ફળિયાથી આગળ જતા માર્ગ પર દુકાન પાસે ગટરનાં પાણી ભરાતાં હોવાથી સુધરાઇમાં વારંવાર ફરિયાદ કરવા છતાં સમસ્યા ન ઉકેલાતાં આજે અમુક દુકાનદારોએ મુખ્ય માર્ગે અડધે સુધી બ્લોકથી દીવાલ ચણી નાખી હતી. જો પ્રશ્ન નહીં ઉકેલાય તો આખા માર્ગે દીવાલ ચણવાની ચીમકી પણ આપી હતી. જો કે, આ બાબતે સુધરાઇના  આધારભૂત સૂત્રોને પૂછતાં આવી કોઇ ફરિયાદ આવી ન હોવાનું જણાવાયું હતું.  જો કે, દીવાલ ચણી નખાતાં ટ્રાફિકથી ધમધમતો માર્ગ અવરોધાયો હતો અને આમ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ ફૂટપાથ દબાવી થતાં દબાણો અને તેમાં આવા બનાવોને પગલે સામાન્ય નાગરિકો ભોગ બની રહ્યા છે અને તંત્ર પણ લાચારની ભૂમિકા ભજવતાં શહેરીજનોમાં રોષ ફેલાયો છે.  થોડા સમય પહેલાં જ ભુજ સુધરાઇના 15 દિવસના ચાર્જમાં આવેલા મુખ્ય અધિકારીએ બસ સ્ટેશન પાસે જોરશોરથી દબાણ હટાવ ઝુંબેશ આરંભી વધારાનું બાંધકામ તોડી દુકાનદારોને દંડ ફટકાર્યા હતા, ત્યારે આ ઘટનામાં તો માર્ગ જ બંધ કરાયો છે ત્યારે તંત્ર કેવોક રૂખ અપનાવે છે તેના પર શહેરીજનોની મીટ મંડાઇ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer