બી.આર.સી. ભવનના ગેરઉપયોગના મુદ્દે સાત શિક્ષક આગેવાનોને નોટિસ અપાતાં રોષ

ભુજ, તા. 12 : તાજેતરમાં રાજ્ય પ્રા. શિક્ષક સંગઠનના હોદ્દેદારોએ અહીંના બી.આર.સી. ભવનમાં ચૂંટણી સંદર્ભની યોજેલી બેઠકના પગલે કાર્યવાહક પ્રા. શિક્ષણાધિકારીએ કરેલી તપાસ બાદ આજે સાત મહત્ત્વના હોદ્દેદારોને નોટિસ દીધી હતી. તો બીજીતરફ આ પગલાંથી શિક્ષક સંગઠને ભારે રોષ વ્યક્ત કરીને તેને કિન્નાખોરીભર્યું પગલું લેખાવ્યું હતું. બી.આર.સી. ભવનની બેઠકના મામલે આજે કાર્યવાહક અધિકારી શ્રી સ્વર્ણકારે બી.આર.સી. સહિત સાત આગેવાનોને નોટિસ આપી હતી. કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર જેમાં બી.આર.સી. હરિભા સોઢા, પ્રમુખ રામસંગજી જાડેજા, મંત્રી ભૂપેશ ગોસ્વામી, હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નયનસિંહ જાડેજા અને ઘનશ્યામસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. જેમાં મકાનના દુરુપયોગ સહિતના મુદ્દાનો ખુલાસો પુછાયો છે. બીજીતરફ તંત્રના આ પગલાંથી સંગઠનના હોદ્દેદારોમાં ભારે રોષ ફેલાયો છે. એક સંયુક્ત નિવેદનમાં જવાબદાર આગેવાનોએ કહ્યું હતું કે, ચાર્જના અંતિમ દિને કિન્નાખોરી રાખીને સંગઠનને બદનામ કરવાના પ્રયાસ કરાયા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, નિયમ વિરુદ્ધ બદલી કરવાની મંજૂરી નહીં મળતાં વેર વાળવામાં આવ્યું છે. આ કાર્યવાહી રાત્રે કરાઇ છે. સામે ત્રણ મહિનાના ચાર્જ દરમ્યાન હાયરગ્રેડ મંજૂરી સહિતના મહત્ત્વના પ્રશ્નો ઉકેલવાનો સમય મળ્યો નથી, તેમણે આ પગલાંને વખોડયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer