વર્ધમાનનગરમાં પંચાયત ઘરનું ભૂમિપૂજન : ટ્રેક્ટરની અર્પણવિધિ

વર્ધમાનનગરમાં પંચાયત ઘરનું  ભૂમિપૂજન : ટ્રેક્ટરની અર્પણવિધિ
ભુજ, તા. 12 : ભુજોડી પંચાયતમાંથી અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો મળતાં વર્ધમાનનગરને પણ રૂા. 14 લાખના ખર્ચે નવું `પંચાયતઘર' પ્રાપ્ત થયું હતું, તેના ભૂમિપૂજનનો કાર્યક્રમ જૈન આચાર્ય પંજાબ કેસરી શ્રીમદ્ વિજય નિત્યાનંદ મ.સા.ની નિશ્રામાં યોજાયો હતો. આચાર્યના માંગલિક પછી જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાના હસ્તે શ્રીફળ વધેરીને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વચ્છ વર્ધમાનનગર માટે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી પ્રાપ્ત થયેલા ટ્રેકટરની અર્પણવિધિ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડાના હસ્તે સરપંચ જ્યોતિબેન વિકમશીને કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેને આ નવી પંચાયત આદર્શ પંચાયત બને તેવા પ્રયાસ કરવાની અપીલ કરી હતી. તો તારાચંદભાઇએ આ નગર સુંદર બને તે માટે સહિયારા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે દીપકભાઇ લાલન, માનવ જ્યોતના પ્રબોધભાઇ મુનવર, વર્ધમાન નગરના અધ્યક્ષ રજનીભાઇ પટવા, ટ્રસ્ટી ભરત ઘીવાળા, ઉપસરપંચ ચંદ્રસિંહ જાડેજાએ સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે માધાપર નવાવાસના સરપંચ અરજણભાઇ ભુડિયા, જીતુભાઇ માધાપરિયા તથા મોટી સંખ્યામાં રહેવાસીઓ હાજર રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer