મોટા ભાડિયાથી ગુંદિયાળી માર્ગ ખખડધજ બનતાં પરેશાની

મોટા ભાડિયાથી ગુંદિયાળી માર્ગ  ખખડધજ બનતાં પરેશાની
મોટા ભાડિયા (તા. માંડવી), તા. 12 : તાલુકાના આ ગામને તાલુકા મથક સાથે જોડતા અને રોજનાં સેંકડો વાહનોની અવરજવરને સમાવતા એવા મહત્ત્વના મોટા ભાડિયાથી ગુંદિયાળી રોડની હાલત અત્યારે ગાડાવાટથી પણ બદતર હોવાનું જણાઇ આવે છે. આ રોડને ફરીથી ડામરથી મઢવાની છેલ્લાં ત્રણ વરસથી થતી રજૂઆતો વ્યર્થ નીવડી હોવાનો અફસોસ આ વિસ્તારના વાહનચાલકોએ કર્યો હતો. પંથકના કેટલાક અગ્રણીઓએ ત્યાં સુધી બળાપો વ્યક્ત કર્યો હતો કે સરકારની વણથંભી વિકાસયાત્રામાંથી જાણે આ કામની જ બાદબાકી થઇ ગઇ?હોય એવું લાગ્યા કરે છે, કારણ કે એકધારી સતત રજૂઆતો   છતાં પરિણામલક્ષી કામગીરીનો અભાવ ઊડીને આંખે વળગ્યો હોય એવું જણાયા કરે છે. બંને ગામ વચ્ચે રહેલા છ કિ.મી.ના અંતરની મુસાફરી વાહનચાલકો માટે શિરદર્દ સમાન સાબિત થાય છે. રસ્તામાં જ્યાં જુઓ ત્યાં ડામર તો આજથી છએક વર્ષ પહેલાં જ ઊખડી ગયો છે, બાકી બચ્યા હોય તો માત્ર?ને માત્ર 15થી 20 ફૂટ સુધીના ખાડા અને કાંકરી. અરે હદ તો ત્યાં થાય છે કે પગે ચાલનાર વ્યક્તિ પણ આ રોડ પર ચાલવાને બદલે સાઇડની પગદંડી પસંદ કરે છે. એટલી હદે ખરાબ થઇ?ગયો છે કે આરોગ્ય જેવી તાકીદની સારવાર માટે પણ વાહનચાલકો આ રસ્તેથી માંડવી આવવાનું ટાળી દઇ વાયા નાના ભાડિયા અથવા બિદડા થઇને પંદરેક કિ.મી.થી વધારાનો ફેરો ખાઇને ગંતવ્ય સ્થળ માંડવી સુધી પહોંચે છે. આ ભંગાર હાલતમાં ફેરવાઇ ગયેલા રસ્તાથી તોબા પોકારી ઊઠેલા મોટા ભાડિયા, શેખાઇબાગ,ગુંદિયાળી સહિતના ગ્રામજનો અને વાહનચાલકોએ કોઇપણ ભોગે રસ્તાની કથળેલી હાલતમાંથી છુટકારો મેળવવાની માંગ કરી છે. આ અંગે ના.કા.ઇ. હિરેનભાઇ ગઢવીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, દરખાસ્ત તો બેઅઢી વર્ષ પહેલાં જ ગાંધીનગર કક્ષાએ મૂકી દીધી છે અને ત્યાં જ પેન્ડિંગ છે. હવે ત્યાંથી આરો આવે ત્યારે થાય. પેન્ડિંગ પડેલી દરખાસ્ત બાબતે નવનિર્વાચિત ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને આ મુશ્કેલીનો અંત આણવા પૂછતાં તેમણે આ પ્રશ્ન જ હાથ?પર લઇ પેન્ડિંગ પડેલી દરખાસ્ત મંજૂરીના નિર્ણાયક તબક્કામાં હોઇ, નજીકના ભવિષ્યમાં જ આ રોડના નવીનીકરણનું ખાતમુહૂર્ત યોજવાની હૈયાધારણ આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer