શૈક્ષણિક આયોજન લોકસમુદાય સાથે જોડવા હાકલ

શૈક્ષણિક આયોજન લોકસમુદાય સાથે જોડવા હાકલ
ભુજ, તા. 12 : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભુજ દ્વારા યોજાયેલા શૈક્ષણિક ઈનોવેશન ફેરના બીજા દિવસે મુલાકાતે આવેલા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચંદ્રસિંહ જાડેજાએ પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આવાં શૈક્ષણિક આયોજનોમાં લોક- સમુદાયને જોડવો જરૂરી છે. તેમણે એ માટે યુનિવર્સિટીના સહયોગની ખાતરી ઉચ્ચારી હતી. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-ભુજના પ્રાંગણમાં ત્રીજા શૈક્ષણિક મેળાનું ઉદ્ઘાટન થયા બાદ બીજા અને અંતિમ દિવસે જિલ્લાના ગાંધીધામ, અંજાર, મુંદરા, માંડવી અને રાપર તાલુકાના શિક્ષકોએ મુલાકાત લઈ અને પોતાનાં અભિપ્રાયપત્રક ભર્યાં હતાં. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી જાડેજા, જિ. શિક્ષણાધિકારી ડો. સ્વર્ણકાર, જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા, મંત્રી ભૂપેશ ગોસ્વામી, વિવિધ શાળાઓના શિક્ષકો તેમજ નાગરિકોએ મુલાકાત લઈ ઈનોવેટિવ શિક્ષકોને બિરદાવ્યા હતા. સાંજે સમાપ્તિ પ્રસંગે જિલ્લાના કાર્યવાહક શિક્ષણાધિકારી શ્રી વાઘેલા, વસંતભાઈ તરૈયા, અંજારના  શાસનાધિકારી શ્રી ગરવા, બીજા વર્ગના શૈક્ષણિક અધિકારી કમલેશ મોતાએ મુલાકાત લીધી હતી. એસ્સાર ગ્રુપના સહયોગથી યોજાયેલા આ મેળામાં તમામ ભાગ લેનાર શિક્ષકોને પ્રમાણપત્ર, શિલ્ડ, સોળ જીબીની પેનડ્રાઈવ ભેટ અપાયા હતા. આજના પ્રસંગની વિશેષતા એ હતી કે કચ્છના જ પ્રતિભાશાળી વિદ્યાસહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર મીતાબેન ગઢવીની શિક્ષણ સેવા સંવર્ગ-1માં પસંદગી થતાં તેઓનું ભવન વતી ખાસ સન્માન કરાયું હતું તથા તેમના હસ્તે શિક્ષકોને ભેટ અપાઈ હતી. ભવનના પ્રાચાર્ય ડો. દક્ષાબેન મહેતા, સંજય ઠાકર, અશ્વિન સુથાર, હસમુખ ગોર, ડો. બિંદુબેન પટેલ ઉપરાંત કોર ટીમના સભ્યો, એચ.ટાટ આચાર્યો, સીઆરસી કો-ઓર્ડિનેટર્સ, બીઆરસી સ્ટાફ, વિવિધ વિસ્તારના શિક્ષકો વગેરેની સેવા સાંપડી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer