નોકરી મેળવવાની માનસિકતામાંથી બહાર નીકળી કૌશલ પ્રાપ્ત કરવા યુવાનોને હાકલ

નોકરી મેળવવાની માનસિકતામાંથી બહાર  નીકળી કૌશલ પ્રાપ્ત કરવા યુવાનોને હાકલ
ભુજ, તા. 12 : નોકરી મેળવવાની માનસિકતામાંથી બહાર નીકળી કૌશલ્ય પ્રાપ્ત કરવા મિરજાપર ખાતે પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રમાં આયોજિત કાર્યક્રમમાં વક્તાઓએ યુવાનોને હાકલ કરી હતી. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આઇ.સી.એ. એજ્યુ. સ્કિલ્સ પ્રા. લિ. દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ખાતે ચાલતી રોજગારલક્ષી નિ:શુલ્ક તાલીમમાં જોડાવા વક્તાઓએ યુવાનોને આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદ ઓફિસના ઓપરેશન મેનેજર વિપિનભાઇ જેને ગુજરાતમાં સૌ પ્રથમ કચ્છમાં શરૂ કરાયેલા પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે, બેરોજગારોને રોજગારી મળે તે હેતુ  છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં અન્ય મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ ખાતે આ કેન્દ્રો ચાલુ છે. જેમાં ઉદ્યોગોને લગતી તાલીમ અપાય છે અને ત્રણથી ચાર મહિનાના કોર્સ બાદ નોકરી આપવાની બાંહેધરી આ સંસ્થા દ્વારા અપાય છે. આ પ્રસંગે કચ્છ યુનિ.ના કુલપતિ સી. બી. જાડેજાએ યુવાનોને સ્વતંત્ર વ્યવસાયી બની નોકરી મેળવવા કરતાં નોકરીદાતા બનવા જણાવ્યું હતું. કચ્છ કર્મશીલ પ્રદેશ છે, જ્યાં પુરુષાર્થને પરમેશ્વર મનાય છે. વર્ષો અગાઉ કચ્છીઓ પોતાના કૌશલના બળે આખા વિશ્વમાં નામના મેળવી છે ત્યારે આજે તો સરકાર વ્યવસાયની તાલીમ, ઉદ્યોગો માટે લોન અને માર્કેટિંગની વ્યવસ્થા કરી આપવા તત્પર છે, જેનો લાભ લેવા જણાવ્યું હતું. આ કેન્દ્રમાં સિલાઇ, હેન્ડ ઓપરેટર, સોલાર પેનલ ઇન્સ્ટોલેશન ટેકનિશિયન, પ્લમ્બર જનરલ અને મેશન જનરલની નિ:શુલ્ક તાલીમ અપાય છે. હાલ 90 જેટલા સિલાઇ અને 90 સોલાર પેનલ ટેકનિશિયનની તાલીમ વિદ્યાર્થીઓ લઇ રહ્યા છે. પ્રારંભે દીપ પ્રાગટય કરાયા બાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું. આ પ્રસંગે કચ્છ નવનિર્માણના મનીષભાઇ, ગોપાલભાઇ, આઇટીઆઇના શબ્બીર અહેમદ ખત્રી, અરવિંદ પિંડોરિયા, વિનોદભાઇ વરસાણી, આઇટીઆઇના ભક્તિબેન, મિશન મંગલમના સચિન પંડયા, આઇટીઆઇના વિવેકભાઇ, વાડા (માંડવી)ના સરપંચ વનિતાબેન માવજી હાલાઇ, ભારાપર (માંડવી)ના સરપંચ કુંવરજીભાઇ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ભાવેશ મારૂ અને દુલારી અહલપરા અને આભારવિધિ સંસ્થાના મેનેજર અરુણ પાલે કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer