સુવઇ ગામના બાકી રહેલા વિકાસકાર્યોને આગળ વધારવા વિજયી પેનલની ખાતરી

સુવઇ ગામના બાકી રહેલા વિકાસકાર્યોને  આગળ વધારવા વિજયી પેનલની ખાતરી
સુવઇ, તા. 12 : સાંસદ આદર્શ ગામ સુવઇ, તા. રાપરના ગ્રામ પંચાયત સરપંચપદે રાઠોડ હિરૂબેન હરિલાલની પેનલનો વિજય થતાં સામૈયા સાથે સ્વાગત કરાયું હતું. સુવઇ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સામાન્ય સીટ ઉપર હિરૂબેન હરિલાલ રાઠોડની 703 મતોની જંગી લીડ સાથે પંચાયતના આઠ સભ્યો પૈકી વોર્ડ નં. 4 એસ.ટી. અનામતની ખાલી રહેલી સીટ સિવાયના સાત સભ્યો સાથે પૂરી પેનલનો વિજય થયો હતો. તેમના હરીફ ઉમેદવાર માતંગ હિરૂબેન આણદાભાઇને કુલ 304 મતો જ્યારે વિજેતા ઉમેદવાર હિરૂબેનને 1007 મળ્યા હતા. જ્યારે 18 મત નોટામાં પડયા હતા. વિજેતા સરપંચ અને પૂરી પેનલના તમામ સભ્યોનો સુવઇ ખાતે સામૈયું કરી ઢોલ-નગારા સાથે સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે નવા ચૂંટાયેલા સરપંચે ગામના બાકી રહેલા વિકાસના કામો અને આમ પ્રજાના કામોને અગ્રતા આપી સુવઇ ગામના વિકાસનો દોર આગળ વધારવા ખાતરી આપી હતી. પેનલના પ્રણેતા હરિલાલ રાઠોડે મતદાતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરી તેમણે મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાનો કોલ આપ્યો હતો. અત્રે ઉલ્લાખનીય છે કે કચ્છ-સાંસદ વિનોદ ચાવડાએ સુવઇ ગામને પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરી મોડેલ ગામ બનાવવા પસંદ કર્યું છે. તેમજ રાપરના માજી ધારાસભ્ય પંકજભાઇ મહેતા સુવઇ ગામના મતદાર છે, તેમના સહયોગથી ગામનો વિકાસ થયો છે. આ તબક્કે વિજેતા સરપંચ, પેનલને સાંસદ, માજી ધારાસભ્ય તથા ગામના મોભી વાડીલાલ સાવલા, સરપંચ રાણુભા કલુજી જાડેજા, કિશોરભાઇ મહેશ્વરીએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સ્વાગત સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer