કચ્છી થિયેટરને જોમવંત બનાવવા અનોખી પહેલ

કચ્છી થિયેટરને જોમવંત બનાવવા અનોખી પહેલ
મુંબઇ, તા. 12 : કચ્છ યુવક સંઘની છેલ્લા 25 વર્ષની વણથંભી યાત્રા એટલે દરવર્ષે નવા કચ્છી નાટકની રોમાંચભરી રજૂઆત આ વર્ષોમાં કચ્છી નાટક દ્વારા સંઘે અઢળક કચ્છી કલાકારોને મંચ પૂરો પાડી તેમને અભિનયના ઓજસ પાથરતા કર્યા છે. રજત જયંતીની વિશેષ ઉજવણી કરતાં કચ્છ યુવક સંઘ દ્વારા શેમારૂ અભિવ્યકિત એકાંકી નાટયસ્પર્ધાના માધ્યમે કચ્છી થિયેટરને જોમવંત, બળવંત અને ગુણવંત કરવાની પહેલની પરાકાષ્ઠારૂપ દામોદર હોલ, પરેલ ખાતે પાંચ સર્વોતમ કૃતિઓની રજૂઆતે ઉપસ્થિતોના મન જીતી લીધા હતા. એકાંકી સ્પર્ધાની ફાઇનલમાં નિર્ણાયકો તરીકે દિગ્દર્શક લતેશ શાહ, અદાકાર ધર્મેન્દ્ર ગોહિલ અને દિગ્દર્શક ધીરજ પાલશેતકર ઉપસ્થિત રહ્યા હતા.  સ્પર્ધામાં કુલ 13 એકાંકીઓમાંથી ફાઇનલમાં પસંદગી પામેલા સર્વ શ્રેષ્ઠ પાંચ એકાંકીઓની રજૂઆત અદ્ભુત રહી હતી. પૂર્ણાહુતિ કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રમુખ દિલીપભાઇ રાંભિયાના આવકાર પ્રવચનથી થયા બાદ સમગ્ર સ્પર્ધાની પરિકલ્પના અને રજૂઆતને આકાર આપનાર કન્વિનર પરેશભાઇ શાહે રંગભૂમિની ઉત્પતિ અને વિકાસ તથા વર્ષોથી ચાલતી જુદી જુદી એકાંકી સ્પર્ધાઓના મિજાજ વિશે વાત કરી. સાથે આ સ્પર્ધાઓ થકી નવા વિચારો, નાવિન્યપૂર્ણ રજૂઆત અને નવી ટેલેન્ટ રંગભૂમિને મળે છે એમ જણાવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે `િચત્કાર' અને `પ્રતિઘાત' ફેમ ગુજરાતી અભિનેત્રી સુજાતાબેન મહેતા રહ્યા હતા. સંસ્થાના ખજાનચી મનીષાબેન સાવલાએ  સંચાલન કર્યું હતું. સ્પર્ધાની સર્વશ્રેષ્ઠ કૃતિમાં પ્રથમ ક્રમાંકે પ્રેમની રીક્ષા પરીક્ષા (નટરંગ થિયેટર-મુલુન્ડ)ને મોમેન્ટો અને રૂા. 75,000નું ઇનામ પ્રાપ્ત થયું હતું. દ્વિતીય `રોંગ નંબર' (કલરવ આર્ટસ)ને મોમેન્ટો સાથે રૂા. 50,000 તૃતીય `ધન વધે કે ધી' (સાઉથ મુંબઇ ક.વિ.ઓ. ગ્રુપ)ને મોમેન્ટો અને રૂા. 31000 ઉપરાંત બેસ્ટ એક્ટરનું પ્રથમ ઇનામ શુભમ ગાલા (રોંગ નંબરે) બીજું રૂષભ શાહ (બાપુ) અને ત્રીજું તીર્થ વીરા (ધન વધે કે ધી) માટે મળ્યું હતું. જ્યારે બેસ્ટ એક્ટ્રેસમાં પ્રથમ ઉન્નતિ ગાલા (રોંગ નંબર), બીજું કિરણ વિસરિયા (ધન વધે કે ધી) અને ત્રીજું ધાર્મિ ગડા (હમારી સોચ કા માલી)ને મળ્યું હતું. બેસ્ટ રાઇટરનું ઇનામ પ્રેમની રીક્ષા-પરીક્ષા, એકાંકી માટે કુમાર છેડા, ધવલ ઠક્કરને તથા બેસ્ટ ડાયરેક્ટરનું ઇનામ રોંગ નંબર એકાંકી માટે શુભમ ગાલાને  અપાયું હતું. આ ઉપરાંત ભાગ લેનાર દરેક ગ્રુપને  મોમેન્ટો અને અભિનયના ચમકારા બતાવનાર પણ ફાઇનલમાં પસંદગી ન પામેલા એકાંકીના કલાકારોમાંથી ચૂંટાયેલા બાર અભિનેતા, અભિનેત્રીઓને સ્ટેન્ડ એલોન પર્ફોમન્સ માટે મોમેન્ટો      અપાયા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer