ઘાસ એકત્ર કરવાના કાર્યમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ

ઘાસ એકત્ર કરવાના કાર્યમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ
ભુજ, તા. 12 : ઘાસ એકત્રિત કરવાની કામગીરીમાં થયેલા કરોડોના કૌભાંડનો આક્ષેપ કરી જવાબદારો સામે તપાસ સાથે કાયદાકીય પગલાં ભરવા મુખ્ય વન સંરક્ષક પાસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખે લેખિત માંગ કરી    આવું કૃત્ય સમગ્ર કચ્છમાં થતું હોવાની પણ ભીતિ વ્યક્ત કરી હતી. આ અંગે આજે આદમભાઇ ચાકીએ મુખ્ય વન સંરક્ષકની કચેરીએ એ.સી.એફ. શશિકાંતભાઇ ઠક્કરને લેખિતમાં જણાવ્યું હતું કે, ભુજ ઉત્તર રેન્જના આર.એફ.ઓ. દ્વારા ચાલુ વર્ષે વિભાગીય કચેરી તરફથી હબાય રખાલમાં ઘાસ એકત્રિત કરી ધ્રંગ ખાતે જંગલ ખાતાના ગોદામમાં સંગ્રહ કરવાની કામગીરી કરવા સરકારી નાણાં ફાળવાયાં હતાં, પરંતુ બે પગવાળા આખલા જેવા અધિકારીઓ ગાયોની ચરિયાણની મોટી રકમ હડપ ગયા હોવાનું જણાવી ઉમેર્યું કે રેન્જ હસ્તકની રખાલોમાં એકત્રિત કરાયેલું ઘાસ બારોબાર વેચાણ કરી મોટી રકમનો ભ્રષ્ટાચાર આચરાયો છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરાયાનું ધ્યાને આવતાં ભ્રષ્ટાચારને છુપાવવા સૌરાષ્ટ્ર વિસ્તારના સુરેન્દ્રનગર જિલ્લાના ચરોટી ખાતેથી અખાદ્ય ઘાસ-જેનું ખાતર તરીકે વેચાણ કરાય છે તે મગાવી ધ્રંગ ખાતેના જંગલ ખાતાના ગોદામમાં સંગ્રહ કરી ઉપર સારું ઘાસ રાખી દેવાયું, જેના ફોટા અને વીડિયો ક્લિપ સાથે શ્રી ચાકીએ રજૂઆત કરી હતી. સરકાર જ્યારે અછતની પરિસ્થિતિ જાહેર કરે ત્યારે માલધારીઓને આ અખાદ્ય ઘાસ નાછૂટકે ગૌવંશોને ખવડાવવું પડે છે. એક તરફ સરકાર ગાયોને બચાવવા તથા ઉત્થાન માટે અનેક યોજનાઓ બહાર પાડતી હોય છે અને કાયદા બનાવે છે, ત્યારે આવાં ભ્રષ્ટ તત્ત્વો અને આ કાર્યમાં સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. આવેદન આપવા સમયે શ્રી ચાકી સાથે રસિક ઠક્કર, ઉમર સમા, રમેશ ગરવા, દત્તેશ ભાવસાર વિ. ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer