દશ વર્ષથી ઉપરની પ્રત્યેક ત્રીએ રૂબેલા વિરોધી રસી મુકાવવી જરૂરી

દશ વર્ષથી ઉપરની પ્રત્યેક ત્રીએ રૂબેલા વિરોધી રસી મુકાવવી જરૂરી
ભુજ, તા. 31 : લાયોનેસ ક્લબ, ભુજ દ્વારા મહિલા વિકાસ કેન્દ્ર ભુજ ખાતે મહિલાઓને થતી રૂબેલાની (નુરબીબી) બીમારી વિશે જાગૃતિ માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો.  જેમાં ભુજના ત્રીરોગ નિષ્ણાત ડો. ઉર્મિલાબેન મહેતાએ બીમારી વિશે સમજણ આપતાં જણાવ્યું હતું કે, દરેક દસ વરસથી મોટી ઉંમરની અપરિણીત મહિલાએ આ રૂબેલા વિરોધી રસી મુકાવી લેવી જોઇએ. જો આ બીમારી પ્રથમ ત્રણ માસ દરમ્યાન સગર્ભા મહિલાને થાય તો આવનારા બાળકને જન્મજાત બીમારી થઇ શકે છે. બાળક મંદબુદ્ધિનું થાય, બાળકને નાની ઉંમરે ડાયાબિટીસની બીમારી થઇ શકે, આંધળું બાળક જન્મી શકે, બાળકને જન્મથી બહેરાશ આવી શકે અથવા શરીરના કોઇ પણ અંગમાં જન્મથી જ ખોડખાંપણ આવી શકે.  આવનારી પેઢીને આ બધી બીમારીઓથી બચાવવા દરેક 10 વરસથી ઉપરની અપરિણીત તંદુરસ્ત મહિલાએ આ રૂબેલા વિરોધી રસી અચૂક મુકાવવી જોઇએ તેવું તેમણે કહ્યું હતું. મહિલા કલ્યાણ કેન્દ્રમાં હાજર 50 મહિલાઓને લાયોનેસ ક્લબ દ્વારા નિ:શુલ્ક રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં સોહિણીબેને રસીકરણમાં સહયોગ આપ્યો હતો. પ્રમુખ રક્ષા ગણાત્રાએ સ્વાગત કર્યું હતું અને પ્રાસંગિક પ્રવચનમાં મહિલાઓને બીમારી ન થાય તે માટે શરૂઆતથી જ રસી મુકાવી લેવાની સલાહ આપી હતી. સંસ્થાના ઇલાબેને લાયોનેસ ક્લબના સેવાકીયકાર્યને બિરદાવ્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન જયાબેન જોષી તથા દમયંતીબેન પિનારા હતા. કમળા ઠક્કરે આભારવિધિ કરી હતી. દિપાલી શુક્લ, બંસરી ઠક્કર, જયશ્રી શાહ તથા બેલા શાહે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન દિવ્યાબેન વૈદ્યએ કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer