કચ્છમાં નીમકોટેડ ખાતર પ્લાયવૂડ ફેકટરીઓમાં ધાબડી દેવાનું ચાલતું ષડયંત્ર : તંત્રોને હપ્તા !

ગાંધીધામ, તા. 12 : રાજ્યભરમાં હાલમાં મગફળીનો મુદ્દો ચર્ચાની એરણે ચડયો છે ત્યારે આ તાલુકાના મીઠી રોહરની સીમમાં એક ગોદામમાં ખેડૂતો માટેનું નીમકોટેડ યુરિયા ખાતર એકત્ર કરી પ્લાય ફેકટરીઓમાં સસ્તામાં પધરાવી દેવાતો હોવાના હેવાલ સાંપડી રહ્યા છે. લાંબા સમયથી ચાલતા આ પ્રકરણ અંગે ખાખીને ખ્યાલ હોવા છતાં કોઇ પગલાં લેવાતાં નથી. આ શહેરની ભાગોળે આવેલા એક ગોદામમાં ભયાનક આગના કારણે લાખોની સરકારી મગફળી સળગીને ખાખ થઇ ગઇ હતી, પરંતુ આ પ્રકરણમાં કોઇ સામે જવાબદારી ફિટ કરી પગલાં લેવાયાં હોય તેવું જણાતું નથી. તો આવો જ બનાવ ગોંડલમાં પણ બનતાં આ મુદ્દો ચર્ચાની એરણે ચડયો હતો. આવામાં મીઠી રોહરની સીમમાં એક ગોદામમાં ખેડૂતો માટેનું નીમકોટેડ યુરિયા ખાતર આવતું હોવાના હેવાલ સાંપડી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ગોદામમાં સુરત, વાપી, વલસાડ બાજુની મંડળીઓમાંથી ખેડૂતો માટેનું નીમકોટેડ યુરિયા ખાતર મંગાવવામાં આવે છે. ખરેખર આ ખાતર માત્ર ખેડૂતોને જ આપવાનું હોય છે પરંતુ તંત્રોની મિલીભગતથી સસ્તા ભાવે આ ખાતર અહીં લઇ અવાય છે. અગાઉ આ ખાતર બારોબાર પગ કરી જતું હોવાથી હવે તેને નીમકોટેડ કરવામાં આવે છે, જેથી તે માત્ર ખેડૂતોને જ કામ લાગે પરંતુ ભેજાબાજોએ તેમાંથી પણ યુક્તિ કાઢી લીધી છે. આ ખાતર પ્લાય બનાવવામાં પણ કામ આવતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેથી જિલ્લા બહારથી સબસિડીવાળા ખાતરનો જથ્થો અહીં લઇ આવી બારોબાર પ્લાયની કંપનીઓમાં પધરાવી દેવામાં આવે છે. ખેડૂતોના હક્ક ઉપર તરાપ સમાન આ કાંડનો અમુક ખાખી વર્દીધારીઓને ખ્યાલ છે, પરંતુ આવા કાંડમાં પ્રસાદી લઇ લેવાય છે અને તેરી ભી ચૂપ મેરી ભી ચૂપની નીતિ અપનાવી લેવામાં આવે છે. જો આ અંગે ખરેખર તટસ્થ અને નીતિમત્તાથી તપાસ કરવામાં આવે તો જિલ્લા બહારના લોકોના પગ નીચે પણ રેલો આવે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer