ગાંધીધામમાં જ્યારે નગરસેવિકાના પતિએ ખોદકામના મજૂર પાસેથી પણ ભાગ માગ્યો !

ગાંધીધામ, તા. 12 : અહીંની પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓના ભ્રષ્ટાચાર અંગે અગાઉ અનેક આક્ષેપો થયા છે ત્યારે હવે કેટલીક મહિલા કાઉન્સિલરોના પતિ પણ કોન્ટ્રાકટરો પાસેથી વ્યવહાર કરવા પહોંચી જતા હોવાનો ગંભીર આક્ષેપ ઊઠયો છે. અહીંની પાલિકાના કેટલાક અધિકારીઓ, કર્મચારીઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે તેમજ સંકુલમાં થતાં વિકાસના કામોમાં પદાધિકારીઓ પણ વ્યવહાર કરતા હોવાની વાત નવી નથી. હાલની બોડીમાં અનેક મહિલાઓ કાઉન્સિલર બની છે. અમુક મહિલા કાઉન્સિલરોની ચાંચ ડૂબતી ન હોવાથી હંમેશાં તેમના પતિ પરમેશ્વર જ આગળ પડતા થતા હોય છે. કોઇપણ વોર્ડમાં ગટર, પાણી, લાઇટ, રોડ કે અન્ય કોઇપણ વિકાસનાં કામ શરૂ થાય ને અમુક મહિલાઓના પતિદેવો વ્યવહાર કરવા પહોંચી જતા હોય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં શહેરના 400 કવાર્ટર વિસ્તારમાં ગટરનું કામ કરવામાં આવતું હતું ત્યારે એક મહિલા નગરસેવિકાના પતિ ત્યાં દોડી આવ્યા હતા અને કોન્ટ્રાકટર પાસેથી રીતસર વ્યવહાર કરીને નીકળી ગયા હતા. હદ તો ત્યારે થઇ જ્યારે આ પતિદેવ શખ્સે મજૂરો પાસેથી પણ નાણાંની માંગ કરી હતી. ગટરલાઇનનું આ કામ થઇ ગયા બાદ પણ તેનું કામ કરનારા શ્રમિક જ્યારે પણ જ્યાં પણ મળે ત્યારે આ કાઉન્સિલર પતિ વ્યવહારની માંગ કરે છે. કોન્ટ્રાકટરો ભાવ ટુ ભાવ ટેન્ડર ભરતા હોય અને તેમાં પણ 12થી 15 ટકાના વ્યવહારની માંગ કરાતી હોય તો લોકો માટે વિકાસના કેવાં કામ થશે તેવા પ્રશ્નો અહીં ઉપસ્થિત થાય છે. પરંતુ અહીંની પાલિકાના અધિકારીઓ - પદાધિકારીઓને જાણે લોકોના વિકાસનાં કામો મજબૂત અને ટકાઉ થાય તેમાં રસ જ નથી. આવા કામ વારંવાર કરવા પડે જેથી પોતાને પ્રસાદી મળતી રહે તેવી નીતિના કારણે લોકોના પૈસાનું પાણી થઇ રહ્યું છે પરંતુ ગમે તે કારણે શાસકોના પેટનું પાણી પણ હાલતું નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer