રાજ્ય શિક્ષક સંઘની કારોબારીની મુદ્દત પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી નિમાયા

ગાંધીનગર, તા. 29 : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક ઉમિયા માતાજી મંદિર વાડી, ગાંધીનગર ખાતે મળી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા સંઘોના પ્રમુખ, મહામંત્રી તથા રાજ્યસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રાથમિક શિક્ષકોના વિવિધ વણઉકેલ્યા પ્રશ્નો તથા અત્યાર સુધી કરેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી.  કાર્યક્રમના પ્રારંભે બાળાઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરાયા હતા. રાજ્ય સંઘના સિનિયર હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટય વડે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. મહામંત્રી સતીશ પટેલે  સૌને આવકાર્યા હતા. ગત પ્રોસિડિંગનું વાંચન અરવિંદ ચાવડા જ્યારે ખજાનચી ભાભલુ વરૂએ હિસાબો રજૂ કર્યા હતા. આ તકે વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા રાજ્ય સંઘના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના નવા વરાયેલા પ્રમુખ રામસંગજી જાડેજા તથા મહામંત્રી ભૂપેશભાઈ ગોસ્વામીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય સંઘની વર્તમાન કારોબારીની મુદ્દત પૂર્ણ થતી હોઈ નવી કારોબારીની રચના માટે કરવાની થતી પ્રક્રિયા માટે ચૂંટણી અધિકારી તરીકે સાવલી તાલુકા સંઘના મહામંત્રી સંજય પટેલની વરણી કરાઈ હતી. સંચાલન રઝિયા શેખે, જ્યારે આભાર વિધિ રમેશ મછારે કરી હતી. કારોબારી સભામાં કચ્છ જિલ્લામાંથી હરિસિંહ જાડેજા, વસંતબેન જોષી, હરદેવસિંહ જાડેજા, રામભા જાડેજા, નયનસિંહ જાડેજા, સેવંતીલાલ પરમાર સહિતના શિક્ષક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer