અંજારમાં રામકૃષ્ણ આશ્રમ દ્વારા માનવ સેવાના કાર્યો કરાયા

અંજાર, તા. 2 :  રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીની પ્રેરણા તથા માર્ગદર્શન મુજબ રામકૃષ્ણ મિશનના માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્શેને ચરિતાર્થ કરવાના હેતુથી એકાદશીની ઉજવણી, માનવ સેવાના કાર્યોથી કરાઈ હતી. રામકૃષ્ણ શારદા સેવાશ્રમ ટ્રસ્ટ-અંજારના ઉપક્રમે માધવનગર પંચાયતી શાળા ખાતે વિવેકાનંદ બાળક સંઘના બાળકોને ચારિત્ર્ય ઘડતરથી રાષ્ટ્ર નિર્માણ દેશભક્તિના જીવન પ્રસગો નયનાબેન ભટ્ટે વર્ણવી વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. તમામ બાળકોને અલ્પાહાર રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા પ્રાર્થના કેન્દ્ર અંજાર તરફથી હર્ષવર્ધન વોરા તથા સુરેશ છાયાના સહયોગથી કરવામાં આવ્યો હતો. સાંજે અંજાર સબ જેલ ખાતે મેડિકલ સહાયકિટનું તથા ગરમ ધાબડા, ચાદર વિ. અપાયા હતા. આ પ્રસંગે જેલર સાદિકભાઈ ધાસુરાએ સંસ્થાની માનવ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. સબજેલ ખાતે રામનામ સંકીર્તન, ધૂન, ભજનનો કાર્યક્રમ દિલીપભાઈ છાયાએ રજૂ કર્યો હતો. આ પ્રસંગે મહંત ત્રિકમદાસજી મહારાજ તથા નગર અધ્યક્ષા પુષ્પાબેન ટાંકે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ બિરદાવી હતી. સંચાલન ટ્રસ્ટી સુરેશ છાયા તથા આભારવિધિ સંસ્થાના ટ્રસ્ટી હર્ષવર્ધન વોરાએ કરી હતી. સબ જેલમાં રામકૃષ્ણ મિશનના જીવન ઘડતર, સંસ્કાર સિંચનના પુસ્તકોનો સેટ આપ્યો હતો. કાંતિભાઈ સોરઠિયા, તેજપાલભાઈ લોચાણી, મગનભાઈ કન્નડ સહયોગી રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer