પાટીદાર છાત્રોને મક્કમતાથી આગળ વધવા હાકલ

મોટી વિરાણી, તા. 12 : પાટીદાર સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સમાજની શિક્ષણ પ્રતિભાઓમાં નિખાર લાવવાના હેતુસર અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ કચ્છ રિજિયન દ્વારા સંસ્કારધામ દેશલપર ખાતે સામાન્યસભા અને સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. રિજિયન ચેરમેન જયંતીલાલ પારસિયાના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં સંસ્કારધામના પ્રમુખ જેઠાભાઇ ચોપડા, કેન્દ્રીય પાટીદાર સમાજના ઉપપ્રમુખ દામજીભાઇ વાસાણી, ડો. સેંઘાણી, મંત્રી પ્રવીણભાઇ ધોળુ, ઉમિયા માતાજી સંસ્થાનના મહામંત્રી બાબુભાઇ ચોપડા, ડો. પ્રેમજીભાઇ ગોગારી, કેન્દ્રીય મહિલા સંઘના ઉપપ્રમુખ ગંગાબેન રામાણી, મંત્રી અનુરાધાબેન સેંઘાણી, કેન્દ્રીય યુવા સંઘના મંત્રી અંબાલાલ પોકાર તેમજ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ, ડીવાય. એસ.પી. કે. દિયોરા, કચ્છ જિલ્લા એસ.ટી. નિયામક બી.એન. ચારોલા, ભુજ પી.એસ.આઇ. દીપક ઢોલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રથમ સત્રમાં યોજાયેલી બેઠકમાં આઇ.પી.સી. શૈલેશ પોકાર અને વાઇસ ચેરમેન છગનલાલ ધનાણીના માર્ગદર્શનમાં યુવા સંઘની 12 સમિતિના કન્વીનરોએ વર્ષ દરમિયાન થયેલા કાર્યક્રમોના અહેવાલ આવ્યા બાદ કચ્છભરમાંથી આવેલા યુવા મંડળ અને મહિલા મંડળના સભ્યોએ સમાજ વિકાસના સૂચનોની આપ-લે કરી હતી. ડી.ડી.ઓ.એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે નક્કી કરેલા ક્ષેત્રમાં આગળ વધવું હોય તો મક્કમતાથી આગળ વધાય, કોઇ નિર્ણય લીધા બાદ પીછેહઠ ન કરવી. ડીવાય. એસ.પી. દિયોરાએ યુવાનોને પોલીસને સહકાર આપીને તેમને મદદ કરવા સલાહ આપી હતી. જિલ્લા પંચાયત સભ્ય નિયતિબેન પોકારે સમાજને પોતાના દરેક પ્રકારના સહકારની ખાતરી આપી હતી. સંસ્કારધામના પ્રમુખ જેઠાબાપાએ સમાજને ધાર્મિક ક્ષેત્રમાં આગળ લઇ આવવા માટે યુવાનોને અપીલ કરી હતી. દામજીભાઇ વાસાણીએ યુવા સંઘને ઉચ્ચસ્થાને લઇ જશે તેવું જણાવ્યું હતું. અંબાલાલ પોકાર, ગંગાબેન રામાણી, ડો. બિહારી, રેખાબેન પાંચાણી, ઊર્મિલાબેન પારસિયા, અજય લિંબાણીએ પોતાના મંતવ્યો આપ્યા હતા. શિક્ષણ કાર્યક્રમમાં 218 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. રિજિયન પી.આર.ઓ. નયના પોકાર, ડિવિઝન પ્રમુખ મુકેશ ઉકાણી, દિનેશ રામાણી, કિરણ પોકાર, ડિવિઝન મંત્રી અશોક ઠાકરાણી, ધર્મેશ ધોળુ, કિશોર માવાણી, નરશી પોકાર, નવીન ધોળુ, સુરેશ ભગત, ખજાનચી કિશોર નાયાણી સહિત સર્વે કારોબારી સભ્યોએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શાંતિલાલ નાકરાણીએ અને આભારદર્શન રિજિયન એજ્યુકેશન કન્વીનર ઊર્મિલાબેન ખેતાણીએ કર્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer