સબ પોસ્ટ કચેરીઓ બંધ કરવાનો સિલસિલો

ભુજ, તા. 12 : સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની શહેરી વિસ્તારોમાં આવેલી ટાઉન સબ ઓફિસો બંધ કરવાનો છેલ્લા કેટલાક મહિનાથી શરૂ થયેલો સિલસિલો હવે કચ્છ ભણી લંબાયો છે અને શનિવારે રાતથી જ  તાબડતોબ માંડવીની સાંજીપડી ખાતેની ટીએસપી બંધ કરી દેવાતાં નવાપરા બાદ માંડવીની વધુ એક કચેરી બંધ થઇ છે અને અહીંના રહેવાસીઓમાં કચવાટ ફેલાયો છે. એક તરફ ખોટ ખાતી પોસ્ટ ઓફિસોને બંધ કરવાનો ઉપરથી આદેશ હોવાની વાત બહાર આવે છે અને એ મુજબ ભુજની પણ એકાદ કચેરી આગામી દિવસોમાં બંધ થઇ જાય તેવી પણ દહેશત ઊભી છે, જો કે હાલ બ્રેક લાગ્યો છે. તો બીજી તરફ જાણકાર સૂત્રો એક પછી એક 13 જેટલી ટાઉન સબ ઓફિસો બંધ થવા પાછળ સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનના અમુક તત્ત્વોની ભૂમિકા સામે પણ શંકાની સોય પણ તાકી રહ્યા છે. કચ્છમાં થોડા સમય પહેલાં જ કંડલા વાવાઝોડા બાદ જ્યાં વસાહત ઊભી થઇ હતી એ કંડલા હાર્બર ખાતેની પોસ્ટ ઓફિસ બંધ કરાઇ હતી અને હવે સાંજીપડીની મહત્ત્વના વિસ્તારમાં આવેલી પોસ્ટ કચેરી પણ અચાનક બંધ કરી માંડવીની મુખ્ય ઓફિસમાં મર્જ કરી દેવાતાં નગરની વધુ એક સુવિધા ઝૂંટવાઇ હોવાનો કચવાટ અહીંના લોકોમાં ફેલાયો છે. આ ઓફિસનો  સ્ટાફ હાલ માંડવીની મુખ્ય ઓફિસમાં કાર્યરત રહેશે. માહિતગાર સૂત્રો કહે છે કે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, મોરબી સહિતના વિસ્તારોમાં પણ ટાઉન સબ ઓફિસો બંધ કરી દેવાઇ છે. હવે કચ્છમાં પણ આ રીતે અચાનક જ ઓફિસો બંધ કરી દેવાય એ સિલસિલો શંકાસ્પદ છે, અને કંઇક કાળુંધોળું રંધાતું હોય તેવી ગંધ આવી રહી છે. પોસ્ટ વિભાગ એ સકારનો સર્વિસ પ્રોવાઇડર વિભાગ છે. તે નફો ન થાય એટલે આમ ઓફિસો બંધ કરી શકે નહીં, કારણ કે એકસપેન્ડીચર કવર રેશિયો (ઇસીઆર) મુજબ તો ગુજરાતની નવરંગપુરા જેવી અમુક ઓફિસોને બાદ કરતાં મોટાભાગની કચેરીઓ ખરેખર નફો કરતી જ હોતી નથી. કંડલા હાર્બર અને સાંજીપડી બાદ હવે ભુજની પણ અમુક ઓફિસો બંધ થઇ?શકે છે. દરમ્યાન આ સંદર્ભમાં કચ્છના ડાક અધીક્ષક રણજિત મહેશ્વરીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, ખોટ ખાતી હોય એવી કચેરીઓને બંધ કરવાનો ઉચ્ચ સ્તરેથી આદેશ આવ્યો છે, જેના ભાગરૂપે સાંજીપડીની ઓફિસ બંધ કરાઇ છે. કંડલા હાર્બરમાં છેલ્લા કેટલાક સમયથી વસાહતીઓ ચાલ્યા ગયા હોવાથી તે બંધ થઇ છે, પણ અમે હવે કિડાણામાં નવી પોસ્ટ ઓફિસ શરૂ કરવાની તૈયારીમાં છીએ. ભુજની ટાઉન સબ ઓફિસો પૈકી એકાદ બંધ કરવાની વાત આવી હતી, પણ અમે હાલ તેના પર બ્રેક લગાવી છે. શહેરોની ઓફિસો બંધ કરવા પાછળ અન્ય કોઇ કારણ હોઇ શકે એવી વાત તેમણે સ્પષ્ટપણે નકારી કાઢી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer