મુંદરામાં કાર ઝાડ સાથે અથડાતાં ઇજનેર યુવાનનું મોત

ગાંધીધામ, તા. 12 : મુંદરાના અદાણી પોર્ટના પશ્ચિમ ગેટ નજીક અકસ્માતમાં ઘવાયેલા મૂળ હરિયાળાના ઇજનેર એવા અરુણ ડાંગર (ઉવ. 25) નામના યુવાનનું મોત થયું હતું. પોલીસે વિગતો આપતાં કહ્યું હતું કે, એન.એમ.ટી. નામની ખાનગી કંપનીમાં ઇજનેર તરીકે નોકરી કરનાર અરુણ તથા કાર ચાલક દિલીપકુમારને ગત તા. 10-2ના રાત્રે અકસ્માત નડયો હતો. આ ઇજનેર કામથી પરત પોતાના રૂમ પર આવી રહ્યો હતો. દરમ્યાન તેમની કારને નીલગાય આડી આવતાં તેને બચાવવા જતાં કાર ઝાડમાં અથડાઇ હતી. જેમાં આ બન્ને યુવાનોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ બન્નેને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં અરુણે સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. જ્યારે કારચાલકને સારવાર હેઠળ રખાયો છે, તેવું પોલીસે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer