વાઘાપદ્ધરમાં બીમાર 876 ઘેટાં-બકરાંને સારવાર અપાઇ

ભુજ, તા. 12 : અબડાસા તાલુકાના વાઘાપદ્ધરમાં ઘેટાં-બકરાંમાં રોગચાળો ફેલાયાની માહિતી મળતાં પશુ ચિકિત્સા અધિકારી અને ટીમે આ વિસ્તારના 876 પશુઓને સારવાર આપી માલધારીઓને દેખભાળ અંગે સમજ આપી હતી. વાઘાપદ્ધર વિસ્તારના ઘેટાં-બકરાંમાં રોગચાળા અંગેની માહિતી ગામના સરપંચ દ્વારા મળતાં આ સબબ નલિયાના પશુ ચિકિત્સા અધિકારી અને ટીમે કરોડિયા, મોટી બેર તથા નરેડીની રૂબરૂ મુલાકાત લઇ જરૂરી તપાસ તથા સારવારની કામગીરી કરી હતી. વાઘાપદ્ધરના માલધારીના ઘેટાં-બકરાંને ચાર માસ અગાઉ પી.પી.આર.ની રસી આપવામાં આવી છે. આમ છતાં અમુક ઘેટાં-બકરાંમાં પી.પી.આર. હોવાના લક્ષણો જણાયા હતા, જે અંગેની જરૂરી સમજણ અને અસરગ્રસ્ત ઘેટાં-બકરાંને સારવાર અપાઇ હતી. બીમાર પશુઓને અલગ રાખીને સારવાર કરવા માટે માલધારીઓને સમજણ અપાઇ હતી. માલધારી મેઘરાજજી પઢિયાર, રમુભા ભાણજી, જેઠુભા માલાજી, લાધુભા પાંચુભા અને હમીરજી કુંવરજી માલધારીઆના ઘેટાં-બકરાંઓની રૂબરૂ જઇને જાતસારવાર કરી હતી. ઉપરાંત સ્થળ પર કોઇ મૃત પશુ જોવા ન મળ્યા હોવાનું પશુ આરોગ્ય  કચેરીની યાદીમાં જણાવાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer