ભુજની દૂન સ્કૂલ અને માંડવીની રામકૃષ્ણ હાઇસ્કૂલની જીત

ભુજની દૂન સ્કૂલ અને માંડવીની રામકૃષ્ણ હાઇસ્કૂલની જીત
ભુજ, તા. 16 : કચ્છ ક્રિકેટ એસોસિયેશન સંચાલિત કચ્છમિત્ર એન્કરવાલા કપનો આજે દબદબાભેર પ્રારંભ થયો હતો. જેમાં સવારે પુલ `એ'ની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં દૂન પબ્લિક સ્કૂલનો સુખપરની દિવ્ય બ્રહ્મલોક સ્કૂલ સામે 25 રને વિજય થયો હતો. સાંસદ વિનોદ ચાવડાએ ટોચ ઉછાળી મેચનો આરંભ કરાવ્યો હતો. ટોસ જીતીને દિવ્ય બ્રહ્મલોકે ફિલ્ડિંગ પસંદ કરતાં દાબમાં આવેલી દૂન સ્કૂલની ટીમે 20 ઓવરમાં 124 રન કર્યા હતા. જેમાં આયુષના 24, મેન ઓફ ધ મેચ બનેલા ધ્રુવ મલ્હોત્રાના 19 અને પલાશ દવેના 18 રન હતા. વધારાના 47 રન મુખ્ય હતા. શ્યામ રૂડાણીએ બે વિકેટ ખેરવી હતી. જવાબમાં સુખપર શાળાની ટીમ વતી હરીશ હીરાણીએ 26, કેવલદીપે 14 રન કર્યા હતા. દૂન સ્કૂલ વતી આયુષ મહેતાએ 3 અને ધ્રુવ મલ્હોત્રાએ 4 વિકેટ ખેરવી હતી. કુલ્લ 20 ઓવરમાં 99 રન બનાવી ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. હરીશ સેકન્ડ મેન ઓફ ધ મેચ થયો હતો. બપોરે આ જ મેદાન પર રમાયેલી પુલ `સી'ની મેચમાં માંડવીની રામકૃષ્ણ હાઇસ્કૂલે માનકૂવાની ઉ.મા. શાળાને 47 રને હાર આપી હતી. ટોસ જીતીને બેટિંગમાં આવેલી માનકૂવાની ટીમે કશ્યપ ભાનુશાલીના 36, સુમરા મકસૂદ અને ગઢવી રમણીકના 19-19 રનની મદદથી છ વિકેટે 154 રન કર્યા હતા. માનકૂવા વાઘુ શિવુભાના 37 અને સુથાર ભાવિનના 14ની મદદથી પાંચ વિકેટે 107 રન બનાવી શકી હતી. માનકૂવા વતી સુંઢા ધર્મેશે 4 અને બુચિયા દીપકે બે વિકેટ ખેરવી હતી. માંડવી વતી મેન ઓફ ધ મેચ બનેલા કશ્યપે 3 વિકેટ ખેરવી હતી. શિવુભા સેકન્ડ મેન ઓફ ધ મેચ બન્યો હતો. મેચમાં અમ્પાયર તરીકે જિતેન જેઠા, ચંદે હર્ષે સેવા આપી હતી. સ્કોરર તરીકે મોઢ દિગંત અને લક્કીરાજસિંહ વાઘેલા રહ્યા છે. કુલદીપસિંહ જાડેજા અને પ્રવીણ હીરાણીએ ગ્રાઉન્ડ વ્યવસ્થા સંભાળી હતી. જયેન્દુભાઇ શુક્લના હસ્તે ઇનામો અપાયાં હતાં.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer