ભુજિયાના કામમાં નાણાં આપવામાં ભારે કંજુસાઇ

ભુજિયાના કામમાં નાણાં આપવામાં ભારે કંજુસાઇ
ગિરીશ જોશી દ્વારા  ભુજ, તા. 16 : ભૂકંપગ્રસ્તોની યાદમાં ભુજમાં ભુજિયા ડુંગરને ફરતે રૂા. 155 કરોડના ખર્ચે સ્મૃતિવનનું નિર્માણ ચાલી રહ્યું છે. 460 એકરમાં દોઢ વર્ષના સમયગાળામાં તૈયાર થનારા આ એક અનોખા સ્મૃતિવનનું કામ સાડા ત્રણ વર્ષ થયા છતાં પૂરું થયું નથી. નવાઇની વાત તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સપનું હતું છતાંય કોઇ ને કોઇ કારણોસર કામ વિલંબમાં મુકાય છે અને આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રકમ પણ?ફાળવી હોવા છતાં રાજ્યનો આપત્તિ વ્યવસ્થા વિભાગ નાણાં આપવામાં કંજુસાઇ કરતો હોવાનું જાણવા મળ્યું છે. કચ્છમાં પ્રવાસન સ્થળ તરીકે એક નવી જગ્યાનો વિકાસ થાય અને ભુજિયો ડુંગર એ માત્ર?ભુજ નહીં સમગ્ર કચ્છની ઓળખ હોવાથી શ્રી મોદીએ તેની પસંદગી કરી વિશ્વમાં ક્યાંય ન હોય તેવું ભૂકંપગ્રસ્તોની યાદમાં નમૂનેદાર નજરાણું બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. `વાસ્તુશિલ્પ'ના આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીની ડિઝાઇનથી તૈયાર થયેલા નકશા પ્લાનના આધારે પ્રથમ તબક્કામાં રૂા. 155 કરોડના ખર્ચે વિકસાવવાના કામનો પ્રારંભ થયો હતો. છેલ્લા એક-દોઢ વર્ષથી એમ કહેવામાં આવે છે કે મોટાભાગે કામ પૂર્ણ થઇ ચૂક્યું હોવાથી ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે, પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે હજુ કામમાં અનેક અધૂરાશો છે જે પૂર્ણ કરવામાં આવી નથી અને અધધધ.... નાણાં ખર્ચાયા હોવા છતાં નાણાંના જ અભાવે કામ-પ્રોજેક્ટ અટક્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 5થી 6?ઇજારદારોને અલગ અલગ કામના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને તમામનાં ચૂકવણાં બાકી હોવાથી વચ્ચે તો કામ અધવચ્ચે છોડી દેવાની ઠેકેદારોએ ચેતવણી આપી હતી. ભુજિયા ડુંગરને ફરતે કમ્પાઉન્ડ વોલ, સન પોઇન્ટ, 11  કિ.મી. પાથ-વે, 50 ચેકડેમ, લાઇટિંગ અને પ્રવેશ માટેનો મુખ્ય રોડ - આ તમામ કામો પૂર્ણ થઇ ચૂક્યા છે છતાં જી.એસ.ડી.એમ.એ. તરફથી નાણાં ચૂકવાતાં નથી. કામ સંભાળતા ખુદ માર્ગ અને મકાન વિભાગે પણ પત્ર?લખીને બિલની રકમ તાકીદે ચૂકવવા માગણી કરી છે. જુલાઇ-2017માં માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે જી.એસ.ડી.એમ.એ.ના સી.ઇ.ઓ.ને લખેલા પત્રમાં લગભગ 20 કરોડથી બાકીના બિલ કોન્ટ્રાક્ટરોને ચૂકવવા અનુરોધ?કર્યો હતો. હાલમાં ફૂડ કોર્ટ, ટોયલેટ બ્લોક, મ્યુઝિયમ સહિતના 14 બિલ્ડિંગનું કામ ચાલુ છે. એક પાર્ટી તો બિલની રકમ નિયમિત નહીં ચૂકવાતાં કામ અધવચ્ચે છોડીને ચાલી ગઇ?છે. 58 કરોડના ખર્ચે એક જ મ્યુઝિયમનું કામ છે, જે કામ પેટે છ મહિનાથી પેમેન્ટ ચૂકવાયું નથી. એવી જ રીતે અગાઉ જે કામ થઇ?ચૂક્યા છે તે એક જ પાર્ટીના 20 કરોડનાં બિલ બાકી છે. આખાય સંકુલમાં 45 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને ભૂકંપમાં દિવંગત આત્માઓને અંજલિરૂપે 12,500 મૃતાત્માઓની નેમ પ્લેટ લગાડવાની હતી, પરંતુ હજુ સુધી આવી નામાવલિની પ્લેટ લાગી નથી. હાલમાં એવી ચર્ચા ચાલે છે કે, જાન્યુઆરીમાં વડાપ્રધાન ગુજરાત આવતા હોવાથી તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે 12,500 નેમ પ્લેટ લગાડવામાં આવે તો સ્ટેનલેસ સ્ટીલની પ્લેટ બનતાં અને લગાડવામાં જ ?ત્રણ મહિનાથી વધારે સમય લાગે તો આવા સંજોગોમાં ચાલુ મહિને ઉદ્ઘાટન કેમ થશે એ સવાલ છે ? કારણ કે મળતી માહિતી પ્રમાણે દરેક મૃતકનું નામ ત્રણ ભાષામાં લખવાનું છે અને આ 12,500 નેમ પ્લેટ લગાડવાના કામ માટે રૂા. 6 કરોડ ફાળવવાનું ટેન્ડર છે, જેનું ટેન્ડર પણ બહાર પડયું નથી. જી.એસ.ડી.એમ.એ. તરફથી નાણાં નહીં મળતા હોવાના મુદ્દે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જે. ઓ. શાહે તાજેતરમાં કલેક્ટર સમક્ષ વાત મૂકતાં ખુદ કલેક્ટર રેમ્યા મોહને પણ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને વિલંબમાં નહીં મૂકવા અને તાત્કાલિક અસરથી ગ્રાંટ?છૂટી કરવા પણ જી.એસ.ડી.એમ.એ.ના સી.ઇ.ઓ. અનુરાધા મલને જાણ કરી હતી, પરંતુ હજુ નાણાં આવ્યાં નથી એ હકીકત છે. જો કે, આ અંગે સી.ઇ.ઓ. અનુરાધા મલનો ગાંધીનગર ખાતે વારંવાર ટેલિફોનિક સંપર્ક સાધ્યો પરંતુ તેમનો મોબાઇલ નો રિપ્લાય થયો હતો. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ આખાય પ્રોજેક્ટના નિર્માણની મુદ્દત બે વર્ષની હતી પરંતુ સાડા ત્રણ વર્ષ?થયા હજુ પૂર્ણ થયો નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer